મુશ્કેલી:વલભીપુરમાં બે કચેરીઓ વચ્ચે સંકલનનો સદંતર અભાવ

વલભીપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોને જમીન હક્ક નોંધ ફેરફાર કરવામાં મુશ્કેલી
  • પોસ્ટ ઓફીસ અને મામલતદાર કચેરીની લાપરવાહીને કારણે ખેડૂતોને હેરાનગતિ

વલભીપુરમાં પોસ્ટ ઓફીસ અને મામલતદાર કચેરી વચ્ચે લાપરવાહીને કારણે ખેડુતોને હેરાનગતિ થતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.135-ડીની નોટીસની બજવણી અંગે પોસ્ટ વિભાગની પ્રક્રિયા પૂર્ણ ન થતા ફેરફાર નોંધ ના-મંજુર થાય છે.વલભીપુરની પોસ્ટ ઓફીસ તેમજ મામલતદાર કચેરી ઈ-ધરા કેન્દ્ર વચ્ચેની લાપરવાહી અથવા તો સંકલનના અભાવે શહેર અને તાલુકાનાં અસંખ્ય ખેડુતોને જમીન હક્ક નોંધ ફેરફાર કરવા માટે નેવાના પાણી મોભે આવી જાય છે.

શહેર અને તાલુકાનાં ખેડુતોને પોતાની ખેતીની જમીનમાં હક્ક નોંધ ફેરફાર જેવા કે વારસાઇ, હક કમી, વહેંચણી, બોજા નોંધ અને બોજા મુકતીની નોંધ વહેંચાણ તેમજ અન્ય બીજા હક્કો જે તે ગામના ગામ નમુના નં.6(હક્ક પત્રક) દાખલ કરવા માટે નિયત નમુનામાં અરજી કરવામાં આવે છે ત્યારબાદ ઈ-ધરા કેન્દ્ર દ્વારા જરૂરી ખેડુત પક્ષકારોને રેવન્યુ કોડની કલમ 135-ડી અન્વયે અરજી સંબંધે સંકળાયેલા ખેડુત પક્ષકારો અને સંબંધીત સેવા સહકારી મંડળીઓ અને બેંકોને નોટીસ રજીસ્ટ્રર્ડ એ.ડી.મારફત મોકલવામાં આવે છે.

સૌથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે, એક જ સરનામે મોકલવામાં આવતી ટપાલમાં બે પક્ષકારોને મળે અને અને ત્રીજાને ટપાલ નથી મળતી ખેડુતોને પરેશાની કરતી બાબત એ છે કે પોસ્ટ મારફત મોકલવામાં આવેલ રજી.એ.ડી. દ્વારા નોટીસ પાછી ન આવે અથવા જે ખેડુતને નોટીસ પોસ્ટ દ્વારા મળી ગઇ હોય પરંતુ વળતું એન્કલોઝમેન્ટ(પહોંચ) પરત ન આવે તો આવી નોટીસ જે તે ખેડુત પક્ષકારો ને બજવણી થઇ નથી તેવું અનુમાન કરીને હક્ક નોંધ ફેરફાર ના-મંજુર કરવામાં આવે છે.

આ બાબતમાં સમગ્ર મામલો છે ઈ-ધરા કેન્દ્ર અને પોસ્ટ વિભાગનો તેમ છતાં તેનો ભોગ ખેડુતો બને છે. નોટીસ બજવણી થયેલ જ નથી તેમ માનીને જે તે નોંધ ના-મંજુર કરવામાં આવે છે તેથી ખેડુતોને ના-મંજુર થયેલ નોંધ બાબતે સંબંધીત પ્રાંત અધિકારી કચેરી ખાતે અપીલ કરવી ફરજીયાત થઇ પડે છે. આ વિસંગતતા દુર કરવા અને તેનો વિકલ્પ આપવા અંગે મહેસુલ વિભાગને સહકારી આગેવાન નરશીભાઇ ગાબાણીએ રજુઆત કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...