મૂળ ઉમરાળાના અને સુરતમાં સ્થાયી થયેલા લેઉવા પટેલ સમાજના વિપુલભાઈ લાભુભાઈ ભીકડીયા (ઉ.વ 38)ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી બ્રેઈનડેડ વિપુલભાઈના લિવર અને ચક્ષુઓનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.
ઈ - 403, જલદર્શન એપાર્ટમેન્ટ, કોઝવે રોડ, સિંગણપોર ગામ, સુરત મુકામે રહેતા અને કતારગામમાં એમ્બ્રોઇડરીનું યુનિટ ધરાવતા વિપુલભાઈને માથામાં દુઃખાવો અને ઉલ્ટી થતા તેમને કતારગામમાં આવેલ અનુભવ હોસ્પિટલમાં દાખલ કર્યા બે દિવસની સારવાર બાદ તેમની તબીયતમાં સુધારો જણાતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી ઘરે આવ્યા બાદ થોડા કલાક પછી તેમણે ખેંચ આવતા તેમને ફરી અનુભવ હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારબાદ વિનસ હોસ્પિટલમાં CT સ્કેન કરાવતા મગજની નસમાં લોહીનો ફુગ્ગો થઇ જવાને કારણે મગજની નસ ફાટી ગઈ હોવાનું નિદાન થયું હતું ફરી CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું ન્યુરોસર્જન ડૉ. મેહુલ બાલધાએ ક્રેન્યોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગથ્થો અને સોજો દુર કર્યો હતો. પણ તા. 5 જાન્યુઆરીના રોજ વિપુલભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા.
ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.પ્રેક્ષા ગોયલે ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો સંપર્ક કરી વિપુલભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી વિપુલભાઈની પત્ની આશાબેન, ભાઈ ભાવેશભાઈ, બનેવી દિલીપભાઈ અને વિજયભાઈ, સાળા વિપુલભાઈ અને જીગ્નેશભાઈ, પુત્ર ધાર્મિક અને પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવતા અંગદાનનો નિર્ણય કરાયો હતો. વિપુલભાઈના પરિવારમાં તેમની પત્ની આશાબેન, પુત્રી નિષ્ઠા (ઉ.વ 16) કે જે શારદા વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે, પુત્ર ધાર્મિક (ઉ.વ 15) શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે.
મુંબઈની જશલોક હોસ્પિટલ તથા ચેન્નાઈની MGM હોસ્પિટલની ટીમ હ્રદય અને ફેફસાનું દાન સ્વીકારવા સુરત આવ્યા હતા પરંતુ હ્રદય અને ફેફસા ખરાબ થઈ ગયા હોવાથી તેનું દાન સ્વીકારી શકાયું ન હતું. લિવરનું દાન IKDRCના ડો. સુરેશ કુમાર અને તેમની ટીમે સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડો. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ એક જરૂરિયાતમંદ દર્દીમાં અમદાવાદની IKDRC માં કરવામાં આવ્યું છે. અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.