અસુવિધા:વર્ષો જુની તળાજા અમરેલી ST બસ સુવિધા લાંબા સમયથી બંધ

તળાજાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે જીલ્લા અને પાંચ તાલુકાને આવરી લેતી ઉપયોગી બસની સવલત
  • આધુનિક સુવિધાઓ સાથે અદ્યતન એસ.ટી સ્ટેન્ડ સાથે મોડેલ ડેપો તો બન્યો

આ વર્ષનાં પ્રારંભે કોરોના કાળ હળવો થયા પછી તળાજા એસ.ટી ડેપો દ્વારા તબકકાવાર પેસેન્જરો માટે ઉપયોગી રૂટ ચાલુ કરવામાં આવેલ ત્યારે વર્ષોથી તળાજા ડેપોની નિયમિત રીતે ચાલતી તળાજા (ગોપનાથ)અમરેલી રૂટની અને મુસાફરો માટે અત્યંગ ઉપયોગી આ બસ છેલ્લા ત્રણથી વધુ વર્ષથી અકળ કારણોસર બંધ છે.

એસ.ટી તંત્ર માટે ગૌરવસમાન પાંચ તાલુકા તળાજા, પાલીતાણા, ગારીયાધાર, દામનગર, અને લાઠીના ગ્રામ્ય વિસ્તારને જોડતી ભાવનગર અને અમરેલી બે જીલ્લાને જોડતી આ બસ ગોપનાથથી વહેલી સવારે ઉપડી બપોરે અમરેલી પહોંચી આજ રૂટ પર પરત ફરતી એસ.ટી તંત્રને સૌથી વધુ આવક આપતી હતી.

પરંતુ એસ.ટી તંત્રની બેદરકારીને કારણે આ રૂટ વારંવાર અનિયમિત સંચાલન કરીને વારંવાર બંધ કરી આ રૂટમાં આવતા અનેક ગામોની ઉતારૂ સેવા અવરોધવામાં આવી રહી હતી જેને શરૂ કરવા અનેક વખત આ રૂટ વિસ્તારના ગ્રામજનો કાર્યકરોએ એસ.ટી.તંત્રને રજુઆત કરી હતી તેમજ દોઢેક વર્ષ પહેલા તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ પણ તે માટે ભારપૂર્વક કરેલ રજુઆતને પણ એસ.ટી.તંત્રએ ધ્યાને લીધી નથી આ બાબતે તળાજાની નેતાગીરીની નબળાઇ છતી થાય છે.

ઉપરાંત તળાજા થી ગારીયાધાર, દામનગર, અમરેલી જવુ હોય તો બે થી ત્રણ બસ બદલવી પડે છે. જો આ રૂટ નિયમિત હોય તો અનેક ગામોની ઉતારૂ સેવા માટે ઉમદા બસ છે. તળાજાને એસ.ટી તંત્ર દ્રારા આધુનીક સુવિધાઓ સાથે અદ્યતન એસ.ટી સ્ટેન્ડ આપીને મોડેલ ડેપોતરીકે સ્થાપીત કર્યો હોવાનો પ્રચાર કરવામાં આવે છે. પરંતુ વર્ષો જુની અત્યંત ઉપયોગી બસ સેવા વારંવાર બંધ કરી દેવામાં આવે છે. તળાજા ડેપો અને વિભાગીય તંત્ર ગોપનાથ અમરેલી રૂટની લોકપ્રિય બસ સેવા વહેલીતકે ચાલુ કરી નિયમિત રીતે તેનું સંચાલન કરવામાં આવે તેવી ઉતારૂ જનતાની પણ માંગ ઉઠવા પામી છે.

10 જેટલા તિર્થધામો આ રૂટ સાથે સંકળાયેલા
ગોપનાથ અમરેલીના આ રૂટ પર પ્રખ્યાત યાત્રાધામો મોટાગોપનાથ, તળાજા જૈનતિર્થ, બગદાણા રોડ, પાલીતાણા જૈનતિર્થ અને કાળભૈરવ ધામ, ગારીયાધારના વાલમરામ અને રૂપાવટી આશ્રમો, દામનગરના ભુરખીયા હનુમાન અને કુંભનાથ મહાદેવ વગેરે તિર્થ આવેલ હોઇ તમામ પ્રકારનાં તિર્થ યાત્રીઓ માટે અત્યંત ઉપયોગી છે.

અન્ય સમાચારો પણ છે...