તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણી સંગ્રહ:ચેકડેમોની મરામત કરી જળ સંગ્રહ ક્ષમતા વધારી શકાય

તળાજા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તળાજા નજીક શેત્રુંજી નદી પરના 4 ચેકડેમોનું મરામત કરી મજબુત કરવાની ખાસ જરૂર

આ વર્ષે લાંબા કોરોના કાળને લીધે સરકારી તંત્રનું ધ્યાન માત્ર આરોગ્ય વિષયક રહેતા અન્ય સમસ્યાઓ તરફ દુર્લક્ષ સેવાયું છે. તળાજા પંથકમાં ક્ષારીય ભુમિને કારણે ઉનાળા પહેલાજ પાણીની સ્થિતિ વિકટ બની જાય છે. જેને નિવારવા ગત વર્ષોમાં તળાજાની જુદીજુદી નદીઓમાં ચેક ડેમોનું નિર્માણ કરીને પાણીનાં તળ સક્રિય રાખવા માટેનાં આયોજન થયા બાદ આ ચેક ડેમોની જળ સંગ્રહ ક્ષમતા જળવાઇ રહે તે માટે તમામ ચેકડેમોનું ઉનાળા દરમિયાન મેન્ટેનન્સ કરવાની જરૂરીયાત રહે છે.

તળાજા નજીક શેત્રુંજી નદી પર બંધાયેલ ચાર વિશાળ ચેક ડેમો, ઉપરાંત તળાજી નદી પર શોભાવડ થી તળાજા સુધીનાં ચેક ડેમો, ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની નાની મોટી નદીઓ, વોકળાઓ પર જુદી જુદી યોજનાઓ અંતર્ગત બનાવાયેલા ચેક ડેમો, આડબંધોની નિયમિત જાળવણી કરવામાં આવતી ન હોવાની ફરીયાદ ઉઠવા પામી છે. યોગ્ય મરામતને અભાવે જ્યારે ચોમાસાનાં પાણી સંગ્રહ સમયે મોટા પાયે લીકેજનું પ્રમાણ વધતું હોય છે જેમાંથી વહી જતું પાણી વેસ્ટેજ જાય છે.

તળાજા નજીક તળાજા નગરપાલિકા દ્રારા શેત્રુંજી નદી પર ધનેશ્ર્વર મહાદેવ મંદિર પર વિશાળ ચેક ડેમથી તળાજા તથા આજુબાજુની જમીનો નવપલ્લવીત થયેલ છે પરંતુ વર્ષો પહેલા હાઇવે પરનો શેત્રુંજીનો પુલ ધારાશાયી થવાથી તેની નજીકનાં આ ચેકડેમનું જળ પ્રદુષીત થવા ઉપરાંત ચેકડેમનાં માળખાને થયેલ નૂકસાનથી વર્ષો વર્ષ તેની જળ સપાટી જળવાઇ રહેતી નથી. આ ઉપરાંત રોયલ નજીકનાં શેત્રુંજીનાં ચેક ડેમની સાઇડમાં ધોવાણથી રીપંરીંગનાં અભાવે પાણી વહી જવાનું પ્રમાણ વધેલ છે. ઉપરાંત ટીમાણા નજીકનાં કોઝવે પર મહત્તમ પાણી ન ભરાય તે માટે ગાબડુ પાડેલ છે. તળાજી નદીનાં ચેક ડેમો પણ ખોખરા થઇ ગયેલ છે.

અન્ય સમાચારો પણ છે...