તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:તળાજામાં રોડના કામના વિવાદમાં મારામારી સામસામા આક્ષેપો થયા

તળાજાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તળાજા શહેરમાં બસ સ્ટેન્ડથી ગોપનાથ રોડ સુધીનો જે આર.સી.સી રોડનું કામ ચાલી રહ્યું છે. તેમાં ગુણવતા મુજબ કામ થતું નથી એવા આક્ષેપ સાથે થયેલ અરજીના અનુસંધાને આજે સવારે બોલાચાલી અને ઉસ્કેરાટ બાદ મારામારી થતા આ અંગે પુર્વ નગર સેવાકાના પતિ અરવિંદભાઇ પાતુભાઇ ચુડાસમાને ગંભીર ઇજા થતા સરકારી હોસ્પિટલમાં સારવાર આપી વધુ સારવાર માટે ભાવનગર ખસેડેલ હતા. જયારે આજના બનાવના અનુસંધાનને સામાવાળા વિજયસિંહ કે. વાળા નગર પાલિકાના કર્મચારી છે. તેમણે રસ્તાના કામ અંગે ખોટા વિવાદ કરી બોલાચાલી કરીને કામમાં રૂકાવટ કરવાના ઇરાદે માર માર્યાની સામી ફરિયાદ નોંધાવેલ છે.

આ ઘટના અંગે પ્રાપ્ત હકીકત મુજબ તળાજા નગર પાલિકાની ગત ટર્મમાં નગર સેવિકા હંસાબેન અરવિંદભાઇ ચુડાસમાના નામે ગત 20 જુનના તળાજામાં એસ.ટી. રોડના ચાલુ કામમાં ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોવાનું અને તે અંગે તપાસ માંગતી અરજી કરેલ જે અનુસંધાને આજરોજ અરવિંદભાઇ પાતુભાઇ ચુડાસમા સાથે થયેલ બોલાચાલી બાદ મારામારી થયેલ આ બાબતે અરવિંદભાઇએ ધમભા વાળા અને વિજયસિંહ વાળા સામે તળાજા પોલીસમાં ફરિયાદ નોંધાવેલ.

આજ બનાવ અનુસંધાને તળાજા નગરપાલિકાના કર્મચારી વિજયસિંહ વાળાએ અરવિંદભાઇ ચુડાસમા સામે ખોટા આક્ષેપો કરી રસ્તાના વિકાસ કામમાં અવરોધ કરવાના ઇરાદે માર માર્યાની ફરિયાદ કરેલ છે.

તળાજા નગરપાલિકા દ્વારા અગાઉ મંજુર થયેલ તળાજા એસ.ટી સ્ટેન્ડથી ગોપનાથ રોડનું આર.સી.સી રોડનું કામ લાંબા સમય બાદ શરૂ થતા તેમા વાદ-વિવાદ ઉભો થયો હતો. આ રોડનું કામ શરૂ થયા બાદ તળાજા નગરપાલિકામાં કોગ્રેસના ટેકાથી બળવો કરીને પ્રમુખપદ મેળવનાર વિનુભાઇ ઘુસાભાઇ વેગડને પક્ષાન્તર ધારા હેઠળ પ્રમુખપદ ગુમાવવું પડેલ અને તાજેતરમાં ન.પા.નો નવા પ્રમુખ તરીકે ડો.અરવિંદભાઇ મારડીયાએ હોદ્દો સંભાળતા જ રસ્તાના કામમાં વિવાદ અને મારામારી બાદ પોલીસ ફરિયાદની નોબત આવી છે. જેથી નવા વરાયેલ પ્રમુખના કાંટાળા તાજ સાથે રસ્તાનું કામ ગુણવતા સભર થાય અને તે સિવાયના વિકાસ કામો ભ્રષ્ટાચાર મુકત થાય તેવી જાગૃત અને પારદર્શી ફરજ બનાવવી પડશે તેમ આમ નાગરિકોનું માનવું છે.

અન્ય સમાચારો પણ છે...