જુની શાકમાર્કેટ સમસ્યાગ્રસ્ત:તળાજામાં લોકોની સગવડતા માટે એક વધુ શાકમાર્કેટની જરૂરિયાત

તળાજાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તળાજાની વસ્તી અને વિકસતા વિસ્તારની સાથે તળાજામાં સાડા ચાર દાયકા પહેલા બનાવાએલ શાકમાર્કેટ હાલ ખુબજ સાંકડી બની રહી છે. એક માત્ર છુટક બકાલા માર્કેટ હોવાથી અહીં ગીચતા, ગેર વ્યવસ્થા, ટ્રાફીકને કારણે સમસ્યાગ્રસ્ત થતી જાય છે અને વાર તહેવારોમાં અહીં અંધાધુંધી અને કાયદો વ્યવસ્થાનાં પ્રશ્નો ઉદભવે છે.

વર્ષો પહેલા તળાજા નગરપાલીકાએ હાલની શાકમાર્કેટનું બિલ્ડીંગ બનાવ્યુ તેમાં અંદરનાં ભાગે 30 જેટલા પાકા શટરવાળા બાકડા બનાવી ત્યાંજ બકાલીઓની વેચાણ વ્યવસ્થા થાય તેવો પ્રબંધ કર્યો હતો પરંતુ તળાજાની વસતી વિસ્તાર વધતા આ શાકમાર્કેટના બહારનાં ભાગે આજુબાજુનાં ગામડાઓનાં શાક-બકાલાવાળા જયાં જગ્યા મળે ત્યાં બાકડા પાથરણા પર વેચાણ કરવા લાગતાં અંદરનાં ભાગનાં બાકડા ધારકો પણ બહાર આવી લારી, ગલ્લા, પાટીયા મુકીને બહાર આવી ગયા અને ચોતરફ ગીચતા વધતી ગઇ.

શાકમાર્કેટ આસપાસ ભેગી થતી ભીડ
તળાજાની શાકમાર્કેટ આસપાસ ભારે ટ્રાફીક ધરાવતા વેપારી સંકુલો થતા અહીં બહારગામનાં લોકોની અવર જવર વધી ગઇ તેમજ સાંકડી માર્કેટનાં રસ્તા પર પ્લાસ્ટીક, કટલેરી, ઘર ઉપયોગી વસ્તુઓનાં ફેરીયાઓ અને લારીઓ ફરવા લાગતા અને બાકી રહેતું હોય તેમ વચ્ચે વચ્ચે ઢોર વારંવારં ઘુસી જતા સર્જાતી અંધાધુંધી ભરી સ્થિતિમાં અહી અસામાજીક તત્વોનો પણ ત્રાસ રહે છે.તળાજા નગરપાલીકા દ્વારા શાકમાર્કેટની વ્યવસ્થા જાળવવા ગંભીરતા દાખવાતી નથી.હાલની શાકમાર્કેટની ગીરદીનું ભારણ ઘટાડવા અન્યત્ર સર્વમાન્ય સ્થળે એક કે બે વધારાની શાકમાર્કેટ બનાવવામાં આવે તેવી આમ નગરજનોની માંગ પ્રબળ બનતી જાય છે.

અન્ય સમાચારો પણ છે...