અભાવ:અકસ્માત ઝોન ગણાતા તળાજામાં અદ્યતન બ્લડ બેંકની જરૂરીયાત, ગંભીર દર્દીઓના સગાઓને બ્લડ મેળવવા દોડાદોડી ન કરવી પડે

તળાજા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​ઇમરજન્સીમાં બ્લડનાં અભાવે મહામુલી જીંદગી જોખમાઇ છે

વર્તમાન સમયમાં હાઇવેનાં કેન્દ્રમાં આવેલ તળાજા વિસ્તારમાં વધતા જતા ગંભીર પ્રકારનાં અકસ્માતનું પ્રમાણ તથા મારામારીનાં બનાવો છાશવારે બનતા હોય, દિવસ રાત્રી કોઇપણ સમયે તળાજામાં ખસેડતા ગંભીર ઇજાગ્રસ્તોની સઘન સારવાર માટે તાકીદનાં સમયે લોહી ચડાવવાની જરૂર હોય તે સમયે તળાજા ખાતે બ્લડ ન મળે તો આવા દર્દીઓની જીંદગી જોખમાઇ છે. આવા કટોકટીનાં સમયે તળાજા તાલુકા કક્ષાએ બ્લડ બેંકની સુવિધા ન હોવાનો વસવસો રહે છે.

તળાજા શહેર અને 117 ગામડાઓનાં વિશાળ તાલુકામાં પ્રાપ્ત આરોગ્ય વિષયક સુવિધાઓમાં હાલ તળાજા શહેર દાઠા અને ઠળીયામાં સામુહીક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત તાલુકાનાં પીથલપુર, ઉંચડી, ત્રાપજ, મણાર, ભદ્રાવળ, સરતાનપર, અને મથાવડા ગામે પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે.

ઉપરાંત તળાજામાં પ્રાઇવેટ હોસ્પીટલો અને ટ્રસ્ટ હોસ્પીટલો અને દવાખાનાઓ કાર્યરત છે. આ તમામ આરોગ્ય કેન્દ્રોને વારંવાર ગંભીર સ્થિતિનાં દર્દીઓ,પ્રસુતાઓ તેમજ ખાસ સંજોગોમાં જીવન બચાવવા માટે બ્લડની જરૂરિયાત ઉભી થાય ત્યારે દર્દીઓનાં સગાઓને દોડાદોડી ન સર્જાય તે માટે તળાજામાં સ્થાનીક કક્ષાએ દર્દીઓને જોઇતા ગૃપનું રકત મળી રહે તે જરૂરી છે.

તળાજા શહેર હાઇવે પરનાં કેન્દ્રમાં આવેલ હોવાથી અહીં અવારનવાર અકસ્માત ગ્રસ્ત ગંભીર સ્થિતિનાં દર્દીઓને ખસેડાતા હોય છે જેઓનો જીંદગી માટે કેટલીકવાર તાકીદનાં સમયે ચોકકસ ગૃપનાં લોહીની જરૂર હોય છે. જે સ્થાનીક કક્ષાએ ન મળે તો દર્દીઓનો જીવ જોખમમાં મુકાઇ જાય છે આવા સમયે તાલુકા કેન્દ્રમાં બ્લડ બેંકની આવશ્યકતા સમજાય છે.આ બાબતે તળાજાનાં આગેવાનો, પ્રજાનાં પ્રતિનીધીઓ, આરોગ્ય ક્ષેત્રે સ્થાનીક બ્લડ બેંકની સુવિધા માટે પરિણામલક્ષી પ્રયત્નો કરે તો જ અગત્યની સુવિધા મળી શકે.

બ્લડ ડોનેશન કરનારા પણ જરૂરીયાતના સમયે બ્લડ મેળવવા માટે લાચાર બને છે
તળાજામાં જુદી જુદી સેવા સંસ્થાઓ દ્વારા અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પ યોજાય છે. જેમાં યુવાનો,સશકતો પોતાનાં કિંમતી રકતનું દાન કરી ધન્ય બને છે. પરંતુ આવા ડોનેટરોને અથવા સગા-પરિવારોને તાકીદનાં સમયે સારવાર કક્ષાએ ઇમરર્જન્સી બ્લડ નહી મળતા લાચારી ભોગવે છે.

અન્ય સમાચારો પણ છે...