તળાજામાં ઉનાળાના પ્રારંભથી જ તળાજા નગરપાલિકા સંચાલિત વોટર વર્ક્સ વિભાગમાં ટેકનિકલ ફોલ્ટ કે વરસાદ અને વાવાઝોડાના કારણસર નગરને પીવાના પાણી પુરુ પાડવામાં કોઈને કોઈ કારણસર વિતરણમાં મુશ્કેલી સર્જાતા તળાજા નગરજનો હેરાન પરેશાન થઈ ગયા હતા, બાબતને તળાજા નગરપાલિકા દ્વારા ગંભીરતાથી ધ્યાને લઈને વોટર વર્કસ વિભાગ માટે તદ્દન નવી મોટરો મૂકીને આજ સવારથી જ પંપીંગ વિભાગ રેગ્યુલર થતા તળાજા નગરને આજથી પાણી પુરવઠો દૈનિક ધોરણે મળતો થતા નગરજનોમાં હાશકારો થયો છે.
ગઈકાલે નવી મશીનરી, મોટરો ફીટ કરીને વોટર વર્કસની ટેકનિકલ ખામી નિવારાઈ છે અને આજથી જ નગરજનોને નિયમિત પૂરતું અને સમયસર પાણી મળતું થયું છે પરંતુ ઉનાળાનો સમય શરૂ થઈ ગયો હોય નગરજનોને પાણી સંયમ પૂર્વક વાપરવા અને પાણીનો જરાપણ વેડફાટ ન થાય તેનો ખ્યાલ રાખીને સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે.
દૈનિક 3 થી 3.5 MLD પાણીની જરૂરિયાતની સામે મળે છે 2 થી 2.5 MLD પાણી
તળાજા પાલિકા દ્વારા અગાઉના વર્ષોમાં પણ કાળજાળ ઉનાળામાં પણ નગરજનોને નિયમિત રીતે દૈનિક પૂરતું પાણી મળતું રહ્યુ છે. આ બાબતે તળાજા નગર પાલિકા વોટર વર્કસ સુપરવાઇઝર વી. કે. વાળાના જણાવ્યા મુજબ તળાજાને દૈનિક રીતે 3 થી 3.5 એમ.એલ.ડી પાણીની જરૂરિયાતની સામે મહિપરીએજ યોજના દ્વારા દૈનિક રીતે 2 થી 2.5 એમ.એલ.ડી પાણી મેળવાય છે અને બાકીનો જથ્થો તળાજા નગરપાલિકાના સ્થાનિક સ્તોત્રમાંથી પાણી મેળવાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.