સફાઇ કામગીરી ઠપ્પ:ટેમ્પલબેલ ગાડીઓ બંધ થવાથી તળાજામાં સફાઇ કામગીરીને અસર

તળાજાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સફાઇ કામગીરી ઠપ્પ થતા જોવા મળતા કચરાના ઢગલાઓ
  • કોન્ટ્રાક્ટ બેજના 25 થી વધુ કર્મીઓના લાંબા સમયથી પગાર નહી થતા હડતાલ પર ઉતરી જતા સેવા ખોરવાઈ

સફાઈ અને આરોગ્યક્ષેત્રે તળાજા નગરપાલિકાની અનિવાર્ય અને પ્રાથમિક જવાબદારી છે તે માટે તળાજા શહેરમાં ઘરે-ઘરે કચરો એકત્ર કરતી તમામ ગાડીઓ બંધ થઈ જતા તળાજા નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ઘરે-ઘરે એક્ઠો કરેલો સૂકો કચરો ઘરમાં જ પડ્યો રહેતો હોવાથી ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે એના કારણે રોગચાળો ફેલાવાની પણ દહેશત દર્શાવાઇ રહી છે.

તળાજાના જાહેર આરોગ્ય માટે આ ગંભીર બાબત હોવા છતા તળાજા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત જવાબદાર કર્મચારીઓ તથા નગરપાલિકાના પ્રમુખ સહિત ચૂંટાયેલા હોદ્દેદારો તદ્દન બેદરકાર રહેતા હોય તળાજા શહેરની સફાઈ અને જન આરોગ્ય સેવા જોખમાઈ રહી છે.આ બાબતે તળાજાના નગરસેવકોને પૂછપરછ કરતા પાલિકાના સફાઈ સહિત જુદા જુદા કોન્ટ્રાક્ટ બેજના 25 થી વધુ કર્મીઓના લાંબા સમયથી પગાર નહી થતા હડતાલ ઉપર ઉતરી જતા નગરની અગત્યની સેવા ખોરવાઈ હોવાનું જાણવા મળેલ છે.

કથળી ગયેલ સફાઈ સેવા અંગે નગરપાલિકાના વહીવટદારો તાત્કાલિક નિવેડો નહીં લાવે અને હડતાલની સ્થિતિ લાંબો સમય રહે તો રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે.તળાજાના નાગરિકો ઘરવેરો, રસ્તા, વીજળી,પાણી સફાઈ અને આરોગ્ય સહિતની નાગરિક સેવા માટે નિયમિત ટેક્સ ભરે છે તેઓમાં ભારોભાર રોષની લાગણી છે અને ત્તળાજા નગરપાલિકાની અનિવાર્ય અને પ્રાથમિક જવાબદારી તાત્કાલિક બહાલ કરે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...