મુશ્કેલ સ્થિતિ:બિસ્માર થયેલ શેત્રુંજી ડેમની કેનાલોનુ આધુનિકરણ જરૂરી

તળાજા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30 વર્ષ પહેલા પાકી બનાવાયેલ મેઇન કેનાલો જર્જરીત થઇ
  • નહેરવાટે પાણી છોડવામાં આવે ત્યારે ભારે માત્રામાં પાણી લીકેજ થઇને વેડફાવાના વધતા જતા બનાવો

છેલ્લા બે વર્ષથી ચોમાસા દરમિયાન સાનુકુળ વરસાદને કારણે શેત્રુંજી જળાશય વારંવાર ઓવરફલો થઇને લાંબા સમય સુધી છલક સપાટી પર રહેલ છે પરંતુ શેત્રુંજી ડેમમાં ભરપુર પાણી હોવા છતા શેત્રુંજી નહેર કમાંડ વિસ્તારનાં 125 થી વધારે ગામોની હજારો હેકટર જમીનનાં છેવાડાનાં વિસ્તારો જરૂરીયાત હોવા છતા ઉનાળુ પિયત માટે મુશ્કેલ સ્થિતિ ઉભી થાય છે.

શેત્રુંજી જળાશયમાંથી ભાવનગર શહેર સહીત પાલીતાણા, તળાજા સહીત કેટલાક વિસ્તારોને ઉનાળા દરમિયાન અથવા જરૂરીયાત પડે ત્યારે પીવાના પાણી માટે અનામત જથ્થો રાખવાની નીતીના કારણે શેત્રુંજી જળાશયમાં ભરપુર પાણી હોવા છતા ઉનાળુ પિયત માટે કમાન્ડ વિસ્તારનાં છેવાડાના ગામોની ખેતીને પાણી ન મળે તેવી સ્થિતિ ઉભી થાય છે આવા કારણોસર હાલના સંજોગોમા શેત્રુંજી જળાશયમાંથી કમાન્ડ વિસ્તારને પાણી પિયત માટેની વિતરણ વ્યવસ્થા માટેની કેનાલો જર્જરીત થયેલ હોવાથી આ જળાશયમાં જેટલું પાણી એકત્રીત થાય છે તેનો મહતમ ઉપયોગ થઇ શકતો નથી જેથી હવે શેત્રુંજી ડેમની નહેરોનું આધુનિકરણ કરવાની અત્યંત જરૂરીયાત હોવાનુ આ વિસ્તારનાં ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે.

સમય જતા આ કેનાલો ઠેર ઠેર ક્ષતિગ્રસ્ત થતા 30 વર્ષ પહેલા મુખ્ય કેનાલોને ટકાઉ અને માજબુત બનાવવા નવીનીકરણની યોજના બનાવી મુખ્ય કેનાલોને આર.સી.સી કોટીંગથી પાકી બનાવાઇ હતી જે ત્રણ દાયકાબાદ ઠેર ઠેર તુટીને બિસ્માર થઇ ગયેલ છે જેના કારણે જ્યારે નહેરવાટે પાણી છોડવામાં આવે ત્યારે ભારે માત્રામાં પાણીનો પ્રવાહ જમીનમાં ઓહિયા થઇ જાય છે તેમજ ઘણી જગ્યાએથી લીકેજ થઇને વિપુલ માત્રામાં પાણી વેડફાવાના બનાવો વધતા જાય છે તેમજ ડેમમાં વર્ષો વર્ષ પ્રસરી રહેલા કાંપને કારણે આ જળાશયની જળ સંગ્રહ ક્ષમતા પણ ઘટતી જાય છે. જેના લીધે છેલ્લા વર્ષોમાં શેત્રુંજી નહેર આધારીત શિયાળુ-ઉનાળુ પિયતમાં પણ ડુકો પડી રહયો છે. આ સંજોગોમાં શેત્રુંજી ડેમનાં પાણીનાં મહત્તમ સિંચાઇ લાભ માટે હવે કેનાલોનું આધુનિકરણ કરવુ હાલના સમયે આવશ્યક બની ગયુ છે.

કેનાલ મારફત અપાતુ પિયત પાણી
ભાવનગર જિલ્લાને ખેત સમૃધ્ધ બનાવવા છ દાયકા પહેલા ગોહિલ વાડનાં ગૌરવ સમી શેત્રુંજી સિંચાઇ યોજના નો પ્રારંભ કર્યો ત્યારે તળાજા, પાલીતાણા, મહુવા અને ઘોઘાનાં 127 ગામોની 35750 હેકટર જમીનની બારમાસી ખેતીને વેગ આપવા 415.41 મીલીયન ઘન મીટરની સમૃધ્ધ જળ સંગ્રહ ક્ષમતા ધરાવતા વિશાળ જળાશયમાંથી શેત્રુંજી નહેર કમાન્ડ વિસ્તાર ડાબા કાંઠાની 96 કિ.મી. અને જમણા કાંઠાની 60 કિ.મી. ની મેઇન કેનાલો અને માઇનોર કેનાલો દ્રારા ખેતી માટે પાણી પિયત અપાતુ હતુ.

અન્ય સમાચારો પણ છે...