કૃષિ અને પશુપાલન ક્ષેત્રે અત્યંત વિકસિત રહેલા તળાજા તાલુકામાં પશુઓની સારવાર માટે સ્થપાયેલ પાંચ પશુ દવાખાનાઓ પૈકી ચાર સારવાર કેન્દ્રોમાં ડોકટરની જગ્યા વણપુરાયેલ હોય તેમજ દરેક કેન્દ્રોમાં ડ્રેસર અને પટ્ટાવાળા સહીતની જગ્યા પણ ખાલી હોય માલધારીઓ,ખેડૂતો, પશુપાલકોનાં દુધાળા અને અન્ય પાલતુ માલ-ઢોરની સ્વસ્થતા માટે જરૂરિયાતનાં સમયે સારવાર મળી શકતી ન હોય ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
તળાજા શહેર અને તાલુકાનાં 117 ગામડાઓ વચ્ચે હાલ તળાજા, ત્રાપજ, દિહોર, ઠળીયા, અને દાઠાનાં પશુ દવાખાનાઓ પૈકી માત્ર તળાજામાં જ પશુ ડોકટર કાર્યરત છે તેમજ જસપરા અને પીથલપુર ગામે આવેલ પ્રાથમીક પશુ સારવાર કેન્દ્રો પૈકી પીથલપુર કેન્દ્રમાં પણ પશુ ચિકિત્સકની જગ્યા વણ પુરાયેલ છે જેના કારણે ડોકટર વિહોણા ચાર કેન્દ્રોમાં અન્ય કેન્દ્રમાંથી આવતા ઇન્ચાર્જ ડોકટરથી ગાડુ ગબડાવાય છે. જોકે ગત વર્ષોમાં તળાજા તાલુકામાં દાઠા ઠળિયા તરસરા અને જસપરા ખાતે જી.વી.કે 1962 સંચાલિત પશુ સારવાર એમ્બ્યુલન્સ આજુબાજુના બાર ગામોના પશુઓની સારવાર માટે કાર્યરત હોવાનું જાણવા મળેલ છે.
તળાજા તાલુકામાં પશુપાલન અને ડેરી ઉદ્યોગનો છેલ્લા વર્ષોમાં સતત વિકાસ થતો રહયો છે જેથી પશુઓની રખ રખાવટ અને સારવારનું ભારે મહત્વ હોય વાતાવરણ, ખોરાક-ચારો, વગેરેમાં અનિયમિતતા આવે તો પશુઓમાં બિમારી ફેલાવા લાગે છે. અગાઉ પશુઓમાં ફેલાતા લંપી વાયરસને કારણે અન્ય વિસ્તારોની જેમ તળાજાના પશુધનની ભારે હાની થઈ હતી, આવા રોગમાં તાત્કાલીક તપાસ અને યોગ્ય સારવાર ન મળે તો ઘણી વખત મહામારી ફેલાવાની શકયતા રહે છે.
જેમાં સમયસર ઇલાજનાં અભાવે દુધ ઉત્પાદન ઘટતા પશુપાલકો આર્થિક સંકડામણમાં આવી જાય છે. આવા અનેક કારણોસર તળાજાનાં ગ્રામીણ અર્થતંત્રની પ્રગતિ માટે તમામ કેન્દ્રોની પશુ ડોકટરો સહીત વણ પુરાયેલ જગ્યા વહેલીતકે પુરવામાં આવે તેવી પ્રબળ માંગ છે.
ગ્રામ્યક્ષેત્રે પશુ સારવાર માટે જીલ્લાની સર્વોત્તમ ડેરીની ઉમદા સેવા
પશુપાલન ડેરી ઉદ્યોગની જીલ્લામાં થઇ રહેલ પ્રગતિને કારણે સર્વોત્તમ ડેરી દ્વારા દરેક તાલુકામાં એક પશુ ચિકિત્સક અદ્યતન સાધનો સાથે કાર્યરત રહે છે. જેમાં તળાજા તાલુકાના ઠાડચ કેન્દ્ર ખાતે ત્રણ પશુ ચિકિત્સકો તેમજ મહુવાનાં મોટા ખુંટવડા કેન્દ્ર ખાતે બે પશુ ચિકિત્સકો પશુ સારવાર માટે કાર્યરત છે. જેને જે તે વિસ્તારની ગ્રામ્ય ડેરીનાં માધ્યમથી વિજીટ લખાવાય એટલે વહેલીતકે સારવાર અપાય છે. - એચ.આર.જોષી, મેને.ડીરે.ભાવ. જિ. સહ. દૂધ ઉત્પાદન સંઘ લી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.