વિશેષ:તળાજા તાલુકો ડુંગળીના વાવેતરમાં જિલ્લામાં અગ્રેસર

તળાજા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 12,184 હેક્ટરના વાવેતરમાં તળાજામા જ 5,747 હેક્ટરમાં ડુંગળીનુ વાવેતર થયું

ડુંગળીના પાક માટે જમીન અને આબોહવાની દ્રષ્ટીએ ખુબજ સાનુકુળ એવા તળાજા તાલુકામાં રવિ (શિયાળુ) વાવેતરમાં ડુંગળીની સર્વાધીક ખેતી માટે તળાજા તાલુકો અગ્રેસર રહયો હતો છતાં છેલ્લા વર્ષોમાં તળાજા તાલુકામાં વિવિધ કારણોસર ડુંગળીનું વાવેતર ઘટી રહયું હતું

પરંતુ ગત વર્ષથી તેમાં સુધારો થતાં આ વર્ષે તળાજા વિસ્તારમાં રવિ (શિયાળુ) વાવેતર જિલ્લામાં સર્વાધિક થઈ રહેલ છે એ પ્રમાણે 65% થી વધુ સંપન્ન થયેલ જિલ્લાના ડુંગળીના 12,184 હેક્ટરના વાવેતરમાં તળાજામાંજ 20 નવેમ્બર સુધીમાં 5,747 હેક્ટરનું થયેલ છે અને દરેક પરિબળો સાનુકૂળ થાય તો તળાજામાં આ વર્ષે ખૂબ જ સારુ વાવેતર થશે તેમ જણાઈ આવે છેરાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રીય બજારમાં તળાજા લાલ તરીકે પ્રખ્યાત ડુંગળીની અધિકતમ માંગ રહે છે.

ખેડૂતો ચોમાસાનાં આખરી સમય બાદ ઠંડી સિઝનમાં અગાઉની સંગ્રહ કરેલ ડુંગળીની કાંજી (કળી)ની ફેરચોપણી કરીને વાવેતર કરેલ ડુંગળીનુ જાન્યુઆરીની આખર બાદ ઉત્પાદન મળવાનું શરૂ થાય છે,અગાઉના વર્ષોમાં ખેડૂતોને ડુંગળી ઉત્પાદન બાદ વેચાણ માટે બહાર જવું પડતું હતું એટલે વાવેતર ઘટતું ગયું હતું પરંતુ ગત વર્ષે તળાજા માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ થઈ હતી એ પ્રમાણે આ વર્ષે પણ વ્યવસ્થા થાય તો ખેડૂતોને વધુ ઉત્સાહ રહે.

છેલ્લા પાંચ વર્ષોમાં રવિ પાકમાં ડુંગળી વાવેતરમાં ચડાઉ ઉતાર
રબી (શિયાળુ) સીઝનમાં જીલ્લાનાં કુલ રવિ વાવેતરમાં તળાજા અને મહુવાનું ડુંગળી વાવેતર અધિકતમ હોય છે. પરંતુ છેલ્લા વર્ષોમાં તળાજા તાલુકામાં વિવિધ કારણોસર તળાજામાં ડુંગળી વાવેતર ઘટતું ગયું હતું, જે મુજબ તાલુકામાં ડુંગળી વાવેતરનાં આંકડા જોઇએ તો વર્ષ 2016માં 10428 હેકટર, 2017માં 7535 હેકટર, 2018માં 3315 હેકટર, 2019માં 3382 હેકટર અને 2020માં ઘટીને એકદમ તળિયે 3101 હેકટર થયેલ હતું જેમાં સુધારો થઈને ગત સાલ 2021માં વધીને 7689 હેકટરનું થયેલ અને આ વર્ષે તેમાં વધારો થવાની શક્યતા રહેલી છે.

માર્કેટયાર્ડમાં ડુંગળી વેચાણ માટે વ્યવસ્થા શરૂ કરીશુ
તળાજા માર્કેટ યાર્ડમાં અગાઉના વર્ષોમાં ડુંગળી હરરાજીની વ્યવસ્થા વિવિધ કારણોસર થઇ શકી ન હતી. પરંતુ ગત વર્ષે યાર્ડમાં ડુંગળી હરાજીનો કારોબાર શરૂ કરેલ જે આ વર્ષે પણ ડુંગળીની આવક શરૂ થતા વહેલીતકે તળાજા માર્કેટ યાર્ડમાં ડુંગળી હરરાજી શરૂ કરવા પ્રયત્નશીલ છીએ. - ભીમજીભાઈ પંડયા, ચેરમેન, તળાજા માર્કેટયાર્ડ

અન્ય સમાચારો પણ છે...