માર્કેટીંગ યાર્ડમાં ખરીદી:તળાજા માર્કેટીંગ યાર્ડ કપાસથી છલકાયુ દૈનિક 3000 થી વધુ પોટકાની થાય છે આવક

તળાજા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બજાર ભાવો સારા મળતા ખેડૂતો રોકડી કરી લેવા માલ યાર્ડમાં લાવતા ધસારો

દિપાવલી પહેલાજ તળાજા માર્કેટીંગ યાર્ડમાં ખરીફ સીઝનનાં કપાસ અને મગફળીની આવક શરૂ થઇ હતી. વચ્ચે થોડો સમય વરસાદી વાતાવરણ અને તળાજા યાર્ડમાં દિપાવલીનાં તહેવારો દરમિયાન હરરાજી થયેલ ન હોવાથી લાભ પાંચમ અને દેવદીવાળીનાં તહેવારો સમયમાં જ તળાજા માર્કેટીંગ યાર્ડમાં ખરીફ સીઝનની ખેત જણસીઓનો પ્રવાહ શરૂ થયો છે જેના કપાસના ઉંચા ભાવો મળતા થતા છેલ્લા અઠવાડીયાથી તળાજા માર્કેટીંગ યાર્ડમાં સરેરાશ દૈનિક 3000 થી વધુ કપાસનાં પોટલાની આવક શરૂ થયેલ છે. ઉપરાંત યાર્ડમાં મગફળીની આવક વધી જતા તળાજા માર્કેટ યાર્ડ સંચાલકો દ્વારા હરરાજીની વ્યવસ્થા જાળવવા વારંવાર મગફળીને હરરાજીમાં ન લાવવા સુચના આપવી પડે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે.

આ વર્ષ તળાજા તાલુકામાં અનિયમિત વરસાદ છતાં તાલુકાનાં કુલ 58500 હેકટર જેટલા અંદાજીત ચોમાસુ વાવેતરમાં કપાસનું 18230 હેકટરમાં તથા મગફળીનું બમ્પર 28608 હેકટરમાં વાવેતર થયેલ હતું જોકે ચોમાસા દરમિયાન અનિયમિત વરસાદ અને પ્રતિકુળ વાતાવરણને કારણે કપાસ અને મગફળીના એકંદર ઉત્પાદનમાં ઘટાડો છતા મગફળી અને કપાસનો પાક તૈયાર થતા તથા બન્નેના બજાર ભાવો સારા મળતા ખેડૂતો રોકડી કરી લેવા તળાજા યાર્ડમાં પોતાનાં ઉત્પાદનો હરાજી માટે લાવવા લાગ્યા છે.

ઉત્પાદન ઘટયુ છતા ઉંચા ભાવો મળતા થયા
આ વર્ષે અનિયમિત વાતાવરણને કારણે તળાજા તાલુકામાં કપાસ, મગફળી, બાજરી અને કઠોળ સહિતનાં પાકોમાં એકંદર ઉત્પાદનનું પ્રમાણ ઘટયું છે પરંતુ કપાસની માંગ વધતા હાલ કપાસમાં ગુણવતા પ્રમાણે મણે રૂ.1650 થી 1800 જેટલા ભાવો મળી રહયા છે. ખેડૂતોને ઉત્પાદન ઘટવા છતા ઉચા ભાવો મળવા લાગ્યા છે. > ભીમજીભાઇ પંડયા, ચેરમેન તળાજા માર્કેટ યાર્ડ

અન્ય સમાચારો પણ છે...