તળાજા માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા પખવાડિયાથી મગફળીની સતત આવક શરૂ રહેતા યાર્ડના મેદાનમાં મગફળીના ઢગલા થઇ ગયા છે અને માર્કેટયાર્ડ દ્વારા વ્યવસ્થાના ભાગરૂપે ખેડૂતોને યાર્ડ દ્વારા મળતી સૂચના મુજબ મગફળી ન લાવવા માટે વારંવાર સૂચના આપવી પડે છે.
હાલ બે દિવસથી હરરાજી દ્વારા હજારો ગુણી ખરીદીની પ્રક્રિયા છતાં યાર્ડ સંકુલમાં મગફળીનો ભરાવો શરૂ રહેતા તા. 16 ને બુધવાર સાંજ સુધી ખેડૂતોને હરરાજી માટે મગફળી ન લાવવા ફરી તાકીદ કરવામાં આવેલ છે. વર્તમાન સમયમાં સારી ક્વોલિટીની મગફળીના વિક્રમ સર્જક ભાવ મળતા હોવાથી અને ખેડૂતોના ખળામાં મગફળીનો જથ્થો તૈયાર હોવાથી ખેડૂતો રોકડી કરી લેવાના મુડમાં છે.
22,772 હેક્ટરમાં ચોમાસુ મગફળીનું વાવેતર
તળાજા તાલુકામાં આ વર્ષે 22,772 હેક્ટરમાં ચોમાસુ મગફળીનું વાવેતર થયેલ છે. ઉપરાંત તળાજા માર્કેટિંગ યાર્ડમાં તળાજા તાલુકા ઉપરાંત ઘોઘા, પાલીતાણા, શિહોર તાલુકાના નજીકના ગામોના ખેડૂતો પોતાની મગફળી હરાજી માટે લાવતા હોય છે એટલે દેવદિવાળી પછી મગફળીની આવક વધી જતા તળાજા માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા બે અઠવાડિયા થી દૈનિક રીતે સરેરાશ 5000 થી 6000 પોતા ગુણી મગફળી આવવા લાગતા યાર્ડ સંકુલમાં ભરાવો થતા વ્યવસ્થા જાળવવા માટે મગફળીને હરરાજીમાં લાવવા માટે વારંવાર બ્રેક લગાવવી પડે છે.
ગુણવત્તા મુજબ ભાવો મળે છે
તળાજા માર્કેટિંગ યાર્ડમાં હાલ ચોમાસુ મગફળીના ગુણવત્તા મુજબ ઊંચા ભાવો મળે છે, સરકાર દ્વારા ટેકાના ભાવથી ખરીદી માટેના નિયત થયેલ મણના રૂ.1170 ના ભાવ સામે હાલ તળાજા માર્કેટ યાર્ડમાં ક્વોલિટી પ્રમાણે મગડી 9 નંબરના સરેરાશ મણના રૂ,1400 થી 1800, મગડી 5 નં, ના રૂ,1200 થી 1500, તેમજ જી 20 નં,ના રૂ, 1100 થી 1250 ભાવ અંકાય છે.> અજીતભાઈ પરમાર, સેક્રેટરી,તળાજા માર્કેટ યાર્ડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.