ડુંગળી પકવતા ખેડૂતોને છેલ્લી સિઝનમાં ડુંગળીના ઓછા ભાવ મળતા રાજ્ય સરકારની નીતિ અનુસાર તળાજા માર્કેટીંગ યાર્ડમાં તા.1- 4-22 થી તા.31- 4 -22 દરમિયાન ડુંગળીનું વેચાણ કરનારા ખેડૂતોને થેલી પર રૂપિયા 100 લેખે વધુને વધુ 500 થેલીની મર્યાદામાં સહાય આપવાનું જાહેર થતાં આજથી તળાજા માર્કેટિંગ યાર્ડમાં સહાય પાત્ર ખેડૂતો સહાય માટેના ફોર્મ રજુ કરવા નિયત કરેલ જરૂરી આધારો સાથે આવવા લાગ્યા છે.
વર્તમાન બોડી દ્વારા તળાજા માર્કેટીંગ યાર્ડમાં લાંબા સમય બાદ ડુંગળીનો કારોબાર ગત વર્ષથી શરૂ થતાં તળાજા તાલુકામાં રવિ 21-22 મા ડુંગળીનું વાવેતર અગાઉ કરતાં વધીને 7689 હેક્ટરનું થયું હતું. પરંતુ શરૂઆતમાં સારા ભાવો મળ્યા બાદ વિવિધ કારણોસર ડુંગળીના ભાવો ગગડવા લાગતા સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ડુંગળીના ખેડૂતોને સહાય આપવાનું નક્કી થયેલ તેના ફોર્મ સ્વીકારવાનો આજથી પ્રારંભ થયેલ છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, તળાજામા ઘણા વર્ષથી ડુંગળીની હરાજીનો કારોબાર બંધ રહેતા જેથી ડુંગળી પકવતા ખેડૂતોને ભાવનગર તથા મહુવા યાર્ડ ડુંગળી વેચવા જવું પડતું હતું તેમજ અન્ય કારણોસર તળાજા તાલુકામાં ડુંગળીનું વાવેતર ઘટવા લાગ્યું હતું જેથી આ વિસ્તારના ખેડૂતોની રજુઆતને ધ્યાને લઇ તળાજા માર્કેટયાર્ડના પ્રમુખ ભીમજીભાઈ પંડ્યા દ્વારા સાથી ડિરેક્ટરોને સાથે રાખીને કમીશન એજન્ટ તથા વેપારી સાથે પરામર્શ કરી માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની હરરાજી ગત વર્ષથી શરૂ કરાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.