તળાજા તાલુકાનો કંઠાળ વિસ્તાર અલ્પ વિકસીત અને ઉપેક્ષિત હોવાનાં કારણે તળાજાનાં દરીયાકિનારાનાં સર્વાંગી વિકાસને વિપરિત અસર થઇ રહી છે. જેના કારણે યોજનાકિય વિકાસનાં લાભો મેળવવા માટે અને આર્થિક સામાજિક અસમાનતા દુર કરવા માટે દાઠા આસપાસનાં 50થી વધુ ગામોની વહીવટી અને કાર્યક્ષમતાને સુદ્રઢ બનાવવા દાઠા વિસ્તારને તાલુકાનો દરજ્જો આપવાની વર્ષોની માંગને સાકાર કરવાની જરૂરિયાત છે.
દાઠામાં સામુહીક આરોગ્ય કેન્દ્ર, સિંચાઇ કચેરી,બેંક, પોસ્ટ ઓફીસ, હાઇસ્કૂલો, એ.બી. કક્ષાનું પોલીસ થાણું આવેલ છે. છતાં તાલુકાનાં દરજજાનાં અભાવે દાઠા અને આજુબાજુનાં 50થી વધુ ગામોનાં પ્રજાજનોને વિજળી, મહેસુલ, પાણી પુરવઠો, પંચાયતી સહિત સામાન્ય કામો માટે તળાજા કે મહુવાનો લાંબો પંથ કાઢીને દિવસ બગાડવો પડે છે. ભાવનગર જિલ્લાનાં વહીવટી વિકેન્દ્રીકરણ માટે અગાઉ દાઠાને તાલુકાનો દરજજો આપવાની દરખાસ જેસરની સાથે જ વિચારાધીન હતી.
જેમાં જેસરને તાલુકાનો દરજ્જો મળી ચૂક્યો છે. પરંતુ દાઠા અંગે સબળ રજૂઆતના અભાવે તે સાકાર થઈ શકેલ નથી. દાઠાને તાલુકા તરીકે વિકસાવવા માટે જેસરની સાથે જ રજૂઆત હતી પણ હવે જ્યારે જેસર તો અલગ તાલુકો થઈ ગયો છે ત્યારે સબળ રજૂઆતના અભાવે દાઠા તાલુકો થઈ શક્યો નથી અને દાઠા તેમજ આસપાસના પચાસ ગામોના લોકોને કોઈપણ કામ માટે મહુવા ધક્કો ખાવો પડે છે.
દાઠાના દરિયાઇ તટને વિકસાવી શકાય
એક વખત આજુબાજુનાં 65 જેટલા ગામોનું હટાણા કેન્દ્ર હતુ જેથી રજવાડાનાં સમયમાં દાઠાને મહાલ કક્ષાનો દરજ્જો અપાયો હતો. પંચમ જૈન તિર્થનાં પાવનધામ દાઠાથી કંઠાળ વિસ્તારમાં શ્રી મોટા ગોપનાથ, શ્રી ચામુંડા ધામ-ઉંચાકોટડા, શ્રી મસ્તરામધારા, શ્રી કાળભૈરવ ધામ-રોજીયા જેવા આરાધના કેન્દ્રોમાં દેશ વિદેશનાં યાત્રીકો પર્યટકોનો અહીં પ્રવાહ વહી રહ્યો છે, દાઠાનાં મોટા ગોપનાથથી મેથળા સુધીનો વિશાળ સમુદ્રતટ વિદેશી પ્રવાસીઓ માટે પણ આકર્ષણરૂપ બની શકે તેમ છે.- અશોકસિંહ પી. સરવૈયા, સદસ્ય તા.પંચાયત, તળાજા.
રોજગારની દ્રષ્ટીએ અત્યંત પછાત
તળાજાનાં દાઠા પછીનો દરિયાઇ પંથક મહદઅંશે દુર્ગમ અને અલ્પવિકસીત છે. ક્ષારિય જમીનને કારણે ખેતી માત્ર ચોમાસામાં જ થઇ શકે તેવી સ્થિતિમાં રોજગારની દ્રષ્ટીએ અત્યંત પછાત હોઇ આ વિસ્તારનાં મોટાભાગનાં શ્રમજીવી પરિવારોને રોજી રોટીની શોધમાં અન્યત્ર નિર્વાસિત જાવું પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.