યુધ્ધના ધોરણે સમારકામ:પુરના પાણીથી પાણીની લાઇન તુટતા તળાજામાં પુરવઠો ખોરવાયો, તળાજા પીવાના પાણીથી વંચિત રહ્યું

તળાજા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નદીમાંથી પસાર થતી પાઇપલાઇન પાણીનાં પ્રવાહમાં તૂટીને તણાઇ ગઇ

તળાજી નદીના ધસમસતા પુરના પ્રવાહમાં પાણીની લાઈન તૂટી જતા તળાજના નગરજનો પીવાના પાણીથી વંચિત રહયાં હતા જોકે નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે રીપેરીંગ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

તળાજા શહેર અને આજુબાજુના વિસ્તારમાં ગઇકાલે ગુરૂવારે ઉપરવાસના મોટાભાગના ગામોમાં પડેલા સાંબેલાધાર વરસાદને કારણે બેકાંઠે વહેતી તળાજી નદીના ધસમસતા પ્રવાહમાં નગર પાલિકાના ફિલ્ટર પ્લાન્ટમાંથી તળાજા નગરને પીવાના પાણીનો પુરવઠો પૂરી પાડતી નદીમાંથી પસાર થતી દોઢ ફૂટના વ્યાસની 75 ફૂટથી વધુ લાંબી મજબૂત પાઇપલાઇન પાણીનાં પ્રવાહમાં તૂટીને તણાઇ જતા તળાજા શહેરમાં પાણી પુરવઠો ખોરવાઈ જતાં સમગ્ર તળાજા શહેર આજે પીવાના પાણીથી વંચિત રહ્યું હતું.

જોકે સવારે નદીમાં પાણી ઉતરતા જ પાલિકાના પાણી-પુરવઠા ચેરમેનના પ્રતિનિધિ અશોકભાઈ સગર,વોટર વર્કસ મિસ્ત્રી વી.કે.વાળા નગર પાલિકાના ચેરમેન આઈ. કે.વાળાની દેખરેખ હેઠળ વોટર વર્કસના સ્ટાફ દ્વારા સવારથી જ યુદ્ધના ધોરણે પાઇપલાઇનનું કામ સાંજ સુધીમાં પૂર્ણ કરતા વહેલીતકે નગરનો પાણી પુરવઠો ચાલુ થાય તેવી ધારણા નગરપાલિકા દ્વારા દર્શાવાઈ રહી હતી

આજથી પાણી પુરવઠો નિયમિત મળતો થશે
તળાજા નગરપાલિકા દ્વારા જણાવાયુ છે કે ભારે વરસાદના કારણે નુકશાન પામેલ પાણીની પાઈપલાઈનના સમારકામનું કામ આજે પૂર્ણ થયેલ છે જેથી આવતીકાલે સવારે રાબેતા મુજબ પાણીનું વિતરણ શરૂ કરવામાં આવશે.

વાવાઝોડામાં પણ પુરવઠો ખોરવાયો હતો
ગત વર્ષે સપ્ટેમ્બરની આખરમાં વાવાઝોડાના ભારે વરસાદને કારણે તળાજી નદીમાંથી પસાર થતી આ પાઈપલાઈન પાણીના પ્રવાહમાં તણાઈ જતાં સમગ્ર તળાજા નગરનો પીવાના પાણીનો પુરવઠો ત્રણથી ચાર દિવસ સુધી ખોરવાઈ ગયો હતો, જેથી ચોમાસા દરમિયાન આ પાણીની પાઈપલાઈન પાણીના પ્રવાહમાં તણાઈ નહીં તે માટે મજબૂત અને રક્ષિત કરવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...