ભાવનગર હાઇવેથી તળાજામાં પ્રવેશ માટેના ટુંકા માર્ગ પર તળાજી નદી પર વર્ષો પહેલા બાંધવામાં આવેલ કોઝવે સતત વાહનો અને પુરના પાણીના મારથી બિસ્માર થઇ ગયેલ હોઇ આ ટુંકા અને ખુબજ ઉપયોગી એપ્રોચ રોડની અગત્યતાને લક્ષમાં લઇ આ કોઝવે પર પુર્ણ કક્ષાનો મજબુત બ્રીજ બનાવવાની માંગ બળવતર બનતી જાય છે. તળાજી નદી પર લગભગ 30 વર્ષ પહેલા બનાવાયેલ આ બેઠો પુલો નદીનાં પુર અને ભારે વાહનોને કારણે બિસ્માર થઇ જતા તેને અવારનવાર મરામત કરવામાં આવેલ પરંતુ હાલ તે એકસપાયરી જેવી સ્થિતીમાં હોઇ કોઇપણ સમયે અકસ્માતગ્રસ્ત થવાની સંભાવના રહે છે.
હાલ ભાવનગર હાઇવેથી તળાજા નગરમાં પ્રવેશ માટે હાલ ત્રણ કિ.મી.નું ટ્રાફીકવાળું અંતર કાપવું પડે છે જે આ ટુંકા માર્ગમાં માત્ર અર્ધા કી.મી.નું અંતર રહે છે. તેમજ હાઇવેથી ગોપનાથ રોડ,સરતાનપર બંદર રોડ, રામપરા રોડ પરના ટ્રાફીક માટે અગત્યનો બાયપાસ હોઇ તેના પર મજબુત પુલ બનાવીને સરળ અને સલામત માર્ગ બનાવવો જરૂરી છે. 2005 માં આ ટુકા એપ્રોચ રોડને વિકાસ પથમાં આવરી લઇ રસ્તાની ઉપયોગીતાને અનુલક્ષીને કોઝવે પર મજબુત બ્રિજ બનાવવા ન.પા. દ્વારા માંગ કરાઇ હતી.
ત્યારબાદ સમય જતા આ રોડ પરથી કોલેજો, આયુર્વેદીક હોસ્પીટલ, મામલતદાર કચેરી, આઇ.ટી.આઇ, પ્રાન્ત કચેરી, સંસ્થામાં તથા સામા કાંઠાની વસાહતોમાં જવાની સરળતા અને અગત્યતા હોઇ ચોમાસામાં કોઝવે પર પાણી ફરી વળે છે ત્યારે નાગરિકો મુશ્કેલીમાં મુકાય છે. જેથી એપ્રોચ રોડ પરના તળાજીનાં બ્રિજ માટે સંબંધીત વિભાગો સક્રિય થાય તે જરૂરી છે. આ કોઝવે પરથી પસાર થવામાં મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આ સ્થળ પર મજબૂત બ્રિજ બનાવવામાં આવે તે જરૂરી છે.
સાધારણ સભામાં પુલની દરખાસ્ત મુકાઇ હતી
તળાજા નગર પાલીકાની ગત તા.13/11/2019 ની સાધારણ સભામાં તળાજી નદી પર હાલનાં જુના રેલ્વે પુલ નજીક વધુ એક પુલ બનાવવાની દરખાસ્ત ચર્ચાઇ હતી પરંતુ આ વિસ્તારમાં તળાજી પર બે પુલ આવેલ હોય તેમજ હાલનાં બિસ્માર કોઝવે પર પાકા મજબુત પુલથી સરતાનપર, ગોપનાથ સહિત તળાજાનાં અન્ય બાયપાસ રોડનો ટ્રાફિકનું તળાજાની બજારમાંથી વહન ઓછું થાય.
લાંબો સમય હાઇવેનું ભારણ સહન કર્યું
દસ વર્ષે પહેલા તળાજા નજીકનો શેત્રુંજી નદીનો પુલ ધરાશાયી થયો હતો ત્યારે દોઢ વર્ષથી વધુ સમય સુધી ભાવનગર વેરાવળ હાઇવેનાં ભારેખમ વાહનો આ કોઝવે પરથી પસાર થયા હતા. તે સમયથી આ કોઝવે પર મજબુત પુલ બનાવવો જોઇએ તેવી સાર્વત્રીક માંગ ઉઠવા પામી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.