સમસ્યા:મરામતના અભાવે તળાજાના ચેકડેમો ખોખલા

તળાજા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચેકડેમોની જળસંગ્રહ ક્ષમતા જળવાઇ રહે તે માટે ચેકડેમોનું સમયાંતરે મેન્ટેનન્સ કરવાની જરૂરીયાત
  • ચેકડેમોની જળસંગ્રહ ક્ષમતા ઘટી જતા ખેતીને ગંભીર અસર, જમીનના જળસ્તર ઊંડા ઉતરતા જાય છે

તળાજા પંથકમાં ક્ષારીયભુમિને કારણે શિયાળાની આખર પહેલા જ ભૂગર્ભમાં પાણીની સ્થિતિ નબળી બની જાય છે જેને નિવારવા અગાઉના વર્ષોમાં તળાજાની જુદી જુદી નદીઓમાં ચેકડેમોનું નિર્માણ કરીને વધુને વધુ જળસંગ્રહ કરીને પાણીનાં તળ સક્રિય રાખવા માટેનાં આયોજન થયા બાદ આ ચેકડેમોની જળસંગ્રહ ક્ષમતા સતત જળવાઇ રહે તે માટે આ ચેકડેમોનું સમયાંતરે મેન્ટેનન્સ કરવાની જરૂરીયાત છે.આ ચેક ડેમોમાં એકઠો થયેલ કાપ દૂર કરવા ચોમાસા પહેલા સંપૂર્ણ સમારકામ કરવુ પડે જેમાં બેદરકારી સેવવાને કારણે ચેકડેમોની જળસંગ્રહ ક્ષમતા ઘટી જાય છે અને જળસંચયનો હેતુ બર આવતો નથી

તળાજા નજીક શેત્રુંજી નદીપર બંધાયેલ ચાર ચેકડેમો ઉપરાંત તળાજી નદી પર શોભાવડથી તળાજા સુધીનાં ચેકડેમો, ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની નાની મોટી નદીઓ, વોકળાઓ પર જુદીજુદી યોજનાઓ અંતર્ગત બનાવાયેલા ચેક ડેમો, આડબંધોની નિયમિત જાળવણી કરવામાં આવતી ન હોવાની અને યોગ્ય મરામતને અભાવે જ્યારે ચોમાસાનાં પાણી સંગ્રહ સમયે મોટાપાયે લીકેજનું પ્રમાણ વધતું હોય છે.

નદીઓનાં પટ્ટમાં મોટાપાયે થતા રેતી ખનનથી ચેકડેમનાં માળખાને નુકસાન થાય છે.આ નાના મોટા તમામ ચેકડેમોનું યોગ્ય સમારકામ કરી. માળખાને મજબુત કરી ચોમાસા પહેલા તેમાં ભરાયેલો કાપ દૂર કરીને ચેક ડેમની જળ સંગ્રહ ક્ષમતા વધારી મજબુત કરવામાં આવે.

મરામત કરીને સંગ્રહ ક્ષમતામાં વધારો કરી શકાય
તળાજા નજીક તળાજા નગરપાલિકા દ્રારા શેત્રુંજી નદી પર ધનેશ્ર્વર મહાદેવ મંદિર પર વિશાળ ચેકડેમથી તળાજા તથા આજુબાજુની જમીનો નવપલ્લવીત થયેલ છે પરંતુ વર્ષો પહેલા હાઇવે પરનો શેત્રુંજીનો પુલ ધરાશાયી થવાથી તેની નજીકનાં આ ચેકડેમનું જળ પ્રદુષીત થવા ઉપરાંત ચેકડેમનાં માળખાને થયેલ નૂકસાનથી વર્ષો વર્ષ તેની જળ સપાટી જળવાઇ રહેતી નથી. આ ઉપરાંત રોયલ નજીકનાં શેત્રુંજીનાં ચેક ડેમની સાઇડમાં ધોવાણથી રીપેરીંગનાં અભાવે પાણી વહી જવાનું પ્રમાણ વધેલ છે. ઉપરાંત ટીમાણા નજીકનાં કોઝવે પર મહત્તમ પાણી ન ભરાય માટે ગાબડુ પાડેલ છે. તળાજી નદીનાં ચેકડેમો ખોખરા થયા છે.

અન્ય સમાચારો પણ છે...