સતત બીજા વર્ષે તળાજા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની હરાજીનો વહેલો આરંભ થઇ ગયો છે. આ વખતે ડુંગળીની નવી સિઝનમાં માર્કેટ યાર્ડમાંશુકનવંતી હરાજીમાં પ્રારંભે મણના રૂપિયા 291 બોલાયા હતા આ વખતે તળાજા પંથકમાં ડુંગળીનું વિપુલ વાવેતર થતાં હરાજીનો ડિસેમ્બરના બીજા સપ્તાહમાં આરંભ થઇ ગયો છે.
તળાજા માર્કેટિંગ યાર્ડમાં નવી સિઝનની ડુંગળીનો આજ તારીખ 10 12 2022 ના રોજથી હરાજીનો, તળાજા માર્કેટ યાર્ડના ચેરમેન ભીમજીભાઈ પંડ્યા ડિરેક્ટરો હરજીભાઈ ધાંધલીયા, કુરજીભાઈ પંડ્યા ,હનુભાઈ પરમાર, મનસુખભાઈ જીંજાળા તેમજ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજીતભાઈ પરમાર ઇન્સ્પેક્ટર પાચાભાઈભંમર તેમજ ડુંગળી વેપારી એસોસિએશનના પ્રમુખ યુવરાજસિંહ સરવૈયા ઉ.પ્રમુખ જયવંતસિંહ ભંડારી મહામંત્રી ભરતભાઈ બોળીયા તેમજ ખેડૂત ભાઈઓ તથા વેપારી ભાઈઓની હાજરીમાં ડુંગળીની હરાજીનો પ્રારંભ થતા પ્રથમ દિવસે જુદા જુદા ત્રણ વકલની ડુંગળીની પ્રથમ હરાજીમાં મણના રૂપિયા 291ના ભાવે શુકનવંતી ખરીદી થઈ હતી, જોકે ડુંગળીની ગુણવત્તા અને સાઈઝ પ્રમાણે હરાજીમાં ભાવ બોલાય છે.
તળાજા પંથકની જમીન અને આબોહવા ડુંગળી ઉત્પાદન માટે ખૂબ સાનુકૂળ હોવા છતાં છેલ્લા ચારપાંચ વર્ષ દરમિયાન ડુંગળીના ઘટતા જતા ઉત્પાદન તેમજ કોઈને કોઈ કારણસર ઘણા વર્ષથી તળાજા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ થઈ શકતી ન હોવાને કારણે તળાજા તાલુકાના ડુંગળી ઉત્પાદક ખેડૂતોને ઉત્પાદન ખર્ચના પ્રમાણમાં પોષણક્ષમ ભાવો મળતા નહી હોવાથી ડુંગળીનું ઉત્પાદન ઉતરોત્તર ઘટતું રહ્યું હતું પરંતુ ગત વર્ષથી તળાજા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ ,ઉપપ્રમુખ અને સેક્રેટરીના પ્રયત્નોને કારણે ગત વર્ષે જાન્યુઆરીના પ્રારંભે જ તળાજા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની હરરાજીનો આરંભ કરાવીને ડુંગળીની સિઝનની આવક સુધી તળાજા માર્કેટીંગ યાર્ડમાં હરાજી શરૂ રહી હતી, જ્યારે આ વર્ષે તળાજા વિસ્તારમાં ડુંગળીનું વિપુલ વાવેતર થતાં ડિસેમ્બરના બીજા અઠવાડિયાથી જ ડુંગળીની હરાજીનો પ્રારંભ થતાં ડુંગળી ઉત્પાદક ખેડૂતોમાં રાહતની લાગણી થયેલ છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.