પાઇપ લાઇનમાં ઠેરઠેર ભંગાણ:શેત્રુંજી ડેમથી તળાજા સુધીની 26 કિ.મી.લાઇનમાં ભંગાણથી જરૂર છે નવિનીકરણની

તળાજા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવી પાઇપલાઇન પાથરીને તળાજાને મળવા પાત્ર શેત્રુંજી જળાશયનું પાણી મળતું થાય
  • ટેન્ડર સહીતની આગળની પ્રક્રિયાના અમલમાં વિલંબથી મહીનાં પાણી ખર્ચનો બોજો

તળાજા શહેરમાં પીવાના પાણી ક્ષેત્રે અન્ય નગરોની સરખામણીએ સારી સ્થિતિ છે. પીવાનાં પાણી માટે અગાઉથી જ સુયોગ્ય આયોજનને કારણે તળાજાને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે ના આયોજન મુજબ તળાજાને કાયમી ધોરણે પ્રાપ્ત થયેલ શેત્રુંજી જળાશય આધારીત પાણી પુરવઠો મેળવવા માટે શેત્રુંજી ડેમથી તળાજા સુધીની પીવાનાં પાણીની 26 કિલોમીટર પાઇપલાઇનમાં અનેક જગ્યાએ ભંગાણ સર્જાતા છેલ્લા ઘણા વર્ષથી તળાજાને શેત્રુંજી જળાશયમાંથી પાઇપલાઇન મારફત મળતું પાણી બંધ થતા તળાજાનાં નાગરિકોનાં માથે મહિયોજનાનાં મોંઘાદાટ પાણીનો બોજો સહન કરવો પડે છે.

તળાજા શહેરમાં પીવાનાં પાણીની અભૂતપૂર્વ તંગીને કારણે વર્ષો પહેલા તળાજા શહેરની નાગરિક સમિતિના નેજા હેઠળ લોકોના ભારે સંઘર્ષ પછી એ વખતની સરકાર દ્વારા શેત્રુંજી જળાશય આધારીત પાણી પુરવઠા યોજના અંતર્ગત શેત્રુંજી ડેમથી તળાજા સુધીની 26 કિ.મી. લાંબી પાઇપલાઇન પાથરીને પીવાનું પાણી ડેમમાંથી આપવામાં આવતું હતું.

પરંતુ લાંબા સમયથી ડેમથી તળાજા સુધીની પાઇપ લાઇનમાં ઠેરઠેર ભંગાણ થયેલ હોવાથી તળાજાને શેત્રુંજી ડેમનું પાણી મળતું બંધ થતા તળાજાને મહિપરિએજ યોજનાંમાંથી પાણી મેળવવું પડે છે જેનો ખર્ચ શેત્રુંજી ડેમનાં પાણી કરતા અનેક ગણો થતો હોય જેનો કરબોજ તળાજાનાં નગરજનો માથે પડે છે.

મહી યોજનાના પાણીનો તળાજા પર કરોડોનો બોજો
તળાજા માટે છેલ્લા ત્રણ ચાર વર્ષથી વધુ સમયથી મહિ યોજનામાંથી દૈનીક રીતે જરૂરીયાત પ્રમાણે 2 થી 3 એમ.એલ.ડી પાણી મેળવાય છે જેનું કરોડોનું દેવું તળાજા નગર પાલીકાને શીરે છે. શેત્રુંજી ડેમમાંથી પીવાનાં પાણી માટેની પ્રાથમિકતા પ્રમાણે અનામત રખાતા જથ્થામાં તળાજાનો સમાવેશ પણ છે પરંતુ પાઇપ લાઇનની ખરાબીનાં કારણે ડેમનું પાણી મળતું બંધ થતા મહિના મોઘાદાટ પાણીનો કરોડોનો બોજો તળાજા નગરજનો માથે રહે છે.

નવી પાઇપલાઇનની મંજુરી મળી પરંતુ નગરપાલિકા દ્વારા ફોલોઅપ લેવામાં બેદરકારી
શેત્રુંજી ડેમ તળાજા વચ્ચેની 26 કિ.મી.ની વર્ષોજુની પાઇપલાઇન રીપેરેબલ ન હોવાનો અભિપ્રાય થતા તળાજા નગરપાલિકા દ્વારા તેના નવીનીકરણ માટે શહેરી વિકાસમાં કરેલ દરખાસ્તને મંજુરી મળી ગઈ હતી જેમાં એસ્ટીમેન્ટ બનાવી સર્વે કરી પાણી પુરવઠા બોર્ડ દ્વારા ટેન્ડર સહીતની આગળની પ્રક્રિયા અમલમાં મુકવામાં સર્જાતા વિલંબ નગરપાલિકા દ્વારા તેને ફોલોઅપ લેવામાં બેદરકારી સેવાઈ છે.

શેત્રુંજી ડેમમાંથી પીવાના પાણી માટે ખાસ પ્રાવધાન
શેત્રુંજી ડેમમાંથી પીવાનું પાણી આપવા માટેની પ્રાથમિકતામાં તળાજાને પણ આપવાનું પ્રાવધાન છે.શેત્રુંજી જળાશયમાંથી પીવાના પાણી આપવાની પ્રાથમિકતા મુજબ હાલ ભાવનગર શહેરને 100 એમ.એલ. ડી. ઉપરાંત ગારીયાધાર જૂથ પાણી પુરવઠા યોજના અને પાલીતાણાને કુલ 10 એમ.એલ.ડી પાણી અપાય છે.

એ જ પ્રમાણે તળાજાને પણ ડેમમાંથી પીવાનું પાણી મળતું હતું પરંતુ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા આ પાણી બંધ થતાં તે માટે શેત્રુંજી ડેમ અને તળાજા વચ્ચેની પાણીની પાઇપલાઇનનું યુધ્ધનાં ધોરણે યોગ્ય સમારકામ કરાવી અને જરૂર પડે તો નવી પાઇપલાઇન પાથરીને તળાજાને મળવા પાત્ર શેત્રુંજી જળાશયનું હક્કનું પાણી મળતું થાય તેવી નગરજનોની લાગણી છે.

અન્ય સમાચારો પણ છે...