સિહોર પંથકમાં રાની પશુઓના આંટાફેરા વધી રહયાં હોવાની ચર્ચા છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હતી આજે સોમવારે બપોરના સમયે સિહોરી માતાના ડુંગર પાસે દિન દહાડે દીપડાએ દેખા દેતા નગરજનોમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને આ દીપડો શહેરમાં ઘુસી જઇ, કોઇ જાનહાનિ કરે તે પહેલાં તેને પકડી પાડવા માંગ ઊઠવા પામી છે.
સિહોરમાં ઊંચાઇ ઉપર સિહોરી માતા બિરાજમાન છે અને સિહોરી માતાના ડુંગર પાસે જ દીપડાએ દેખા દેતા નગરજનોમાં આ બાબતે ભારે ફફડાટ વ્યાપ્યો છે. જૂના સિહોરમાં ઘણા પશુપાલકો રહે છે અને ત્યાં ડુંગરાળ વિસ્તાર પણ મોટો છે આથી આ દીપડો કોઇ પશુને જાનહાનિ કરે તે પહેલાં આ દીપડાને પકડવાની માંગ ઊઠવા પામી છે.
થોડા દિવસો પહેલાં ગૌતમેશ્વર મંદિર પાસેના વિસ્તારમાં પણ દીપડાએ દેખા દીધા હતા અને ત્યાં એક ગાયનું મારણ કર્યાનું પણ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. આમ સિહોરના પાદરમાં આવી પહોંચેલા દીપડાએ લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો છે અને દીપડો કોઇ પર હુમલો કરી પણ શકે છે. સિહોરના જંગલમાં આવી ગયેલા આ દીપડાને પકડવા માટે પ્રબળ લોકમાંગ ઊઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.