ઐતિહાસિક શહેર:સિહોરને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાની જરૂરિયાત, ઐતિહાસિક ધરોહરને સાચવીને બેઠું છે સિહોર

સિહોર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​કેટલાય ઐતિહાસિક સ્થળો અત્યારે તંત્રની ઉપેક્ષિત નીતિથી નામશેષ થવા જઇ રહ્યા છે

સિહોર એક એવું ઐતિહાસિક શહેર છે કે જેનો ઇતિહાસ સમગ્ર જિલ્લા માટે ગૌરવ સમાન છે. આ એક એવું શહેર છે કે જે પ્રતિ વર્ષ હજારોની સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષી શકે એટલો ભવ્ય અને બેજોડ અને અપ્રતિમ ઇતિહાસ આ શહેર સાચવીને બેઠું છે. પરંતુ અત્યારે આ શહેરની ઐતિહાસિક જાહોજલાલી પર વિસ્મૃતિની ધૂળ ચડી ગઇ હોય એવું લાગે છે,કારણ કે આ શહેરના કેટલાય ઐતિહાસિક સ્થળો અત્યારે તંત્રની ઉપેક્ષિત નીતિથી નામશેષ થવા જઇ રહ્યા છે.

આ વાસ્તવિકતાને નઝરઅંદાઝ કરી શકાય તેમ નથી એ પણ એક નકકર વાસ્તવિકતા છે. સિહોરમાં પાંચ પીર અને નવનાથના બેસણા છે. ઉપરાંત અહીં ઐતિહાસિક બ્રહ્મકુંડ છે. એક સમયે પૂરા સિહોરને રક્ષણ આપતો કિલ્લો આજે પણ પોતાની જર્જરીત અવસ્થામાં હયાત છે. આ બધાને સ્થાને પ્રવાસન ધામ વિકસાવવાની લોકમાંગ છેલ્લા ઘણા સમયથી થઇ રહી છે.

સિહોરમાં ગૌતમ કુંડ છે. સાત શેરી છે. આઝાદીની લડતમા પોતાનું અનન્ય યોગદાન આપનાર નાના સાહેબ પેશ્વાનું સમાધિ સ્થળ હોય. દાદાની વાવ છે. નવનાથના મંદિરો છે. હનુમાનધારા જવાનો માર્ગ હોય. સિહોરના બ્રહ્મકુંડ પાછળ પાટણના રાજા સિધ્ધરાજ જયસિંહનો એક ઇતિહાસ સચવાયેલો પડયો છે. ભાવનગર જિલ્લાનું પાલિતાણા એના જૈન દેરાસર માટે વિખ્યાત છે.

મહુવા છોટે કાશ્મીર તરીકે પ્રસિધ્ધ છે. અને સિહોર છોટે કાશી તરીકે જાણીતું છે. પરંતુ આજે આ છોટે કાશી શબ્દ ફકત ઇતિહાસ અને શબ્દકોષના પાના પૂરતો સીમિત થઇ ગયો હોય એવું નગરજનોને લાગી રહ્યું છે. સિહોરના મોટાભાગના પ્રાચીન સ્થળોની હાલત કફોડી છે. સિહોરના લુપ્ત થતાં ઇતિહાસને પુનર્જીવન કરવા તંત્ર જાગે એટલી સિહોરવાસીઓની અપેક્ષા અપેક્ષિત છે.

અન્ય સમાચારો પણ છે...