સિહોરની મધ્યમાંથી સિહોરના ગૌરવ સમાન ગૌતમી નદી પસાર થઇ રહી છે. પરંતુ હાલ આ નદીનું અસ્તિત્વ જ જોખમમાં આવી ગયું છે. આ નદી આજે નદી મટીને માત્ર વોકળું બની ગઇ છે. નદીમાં એટલી ગંદકી છવાઇ ગઇ છે કે ન પૂછો વાત ! આ નદી પાસેથી પસાર થાઓ એટલે ફરજિયાત નાકે ડૂચો દઇને જ પસાર થવું પડે. નદીમાં ગટર ભેળવી દેવામાં આવી છે. નદીમાં અનેક જગ્યાએ જંગલી છોડ ઊગી ગયા છે. નદીમાં અનેક જગ્યાએ પથ્થરો ધસી આવ્યા છે.
ગૌતમી નદીની આવી દયનીય હાલત જોઇ કોઇ પણ પ્રકૃતિ પ્રેમીને કંપારી છૂટી જાય એવી બદત્તર હાલત આ નદીની થઇ ગઇ છે. ચોમાસું સાવ ઢૂંકડું આવી ગયું છે. થોડા દિવસો બાદ ચોમાસાનું આગમન થશે. છેલ્લા બે-ત્રણ વરસથી ચોમાસામાં સારા વરસાદ થતાં ગૌતમેશ્વર તળાવ ઓવરફલો થાય છે ત્યારે નદી સાંકડી બની જતાં નદીનું પાણી ટાણા રોડ કે આજુબાજુના રહેણાંકી વિસ્તારોમાં ઘુસી જવાની શક્યતા રહે છે. નગરજનોમાં આ બાબતે ભારે નારાજગી, રોષ અને આક્રોશ છે. અત્યારે તંત્ર કુંભકર્ણી નિદ્રામાં છે. આગેવાનોએ પણ તંત્રના કાન આમળવા જોઇએ. આ દિશામાં વહેલામાં વહેલી તકે નક્કર કામ થવું જ જોઇએ.
સફાઇની કામગીરી શરૂ કરી દેવાઇ
સિહોરની ગૌતમી નદીને સાફ સુથરી કરવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ કામગીરી 15 જૂન સુધી ચાલશે એટલે ગૌતમી નદીની મોટા ભાગની ગંદકી દૂર થઇ જશે.> બી.એચ. મારકણા, ચીફ ઓફિસર, નગરપાલિકા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.