સિહોર તાલુકાના મોટા ગણાતા ટાણા ગામના વિદ્યાર્થીઓ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાથી વંચિત છે.જો ગામમાં સરકારી માધ્યમિક શાળા શરુ કરવામાં આવે તો આજુબાજુના 10થી વધુ ગામોના વિદ્યાર્થીઓ લાભ લઇ શકે.
ટાણા ગામમાં ચારેક સરકારી પ્રાથમિક શાળાઓ, ખાનગી પ્રાથમિક શાળાઓ, ગ્રાન્ટેડ માધ્યમિક શાળા અને ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળા આવેલી છે. જેમ-જેમ ધોરણ આગળ વધતું જાય તેમ -તેમ શિક્ષણનો ખર્ચ પણ વધતો જતો હોય છે અને એમાંય ધોરણ-10 પછી ખાનગી શાળામાં પોતાના બાળકોને ભણાવવા આમ આદમી માટે કપરું બની જતું હોય છે.
ટાણા ગામે ધો.11 અને 12ના વિધાર્થીઓ માટે ખાનગી શાળા આવેલી છે પરંતુ જો ટાણામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ થાય તો ટાણા સહિત આજુબાજુના બેકડી, થાળા, ભાંખલ, અગિયાળી, લવરડા, બુઢણા, ઢુંઢસર, સરકડિયા (ટા), ગુંદાળા (ટા), વાવડી,રાજપરા (ટા) ગામના વિધાર્થીઓને શૈક્ષણિક રીતે લાભ થાય. જો ટાણા ગામે ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ થાય તો અનેક વિદ્યાર્થીઓને તેનો સીધો લાભ મળી શકે. વિદ્યાર્થીઓના હિતમાં ટાણા ગામે સરકારી માધ્યમિક શાળા શરૂ થાય તે અત્યંત જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.