સમસ્યા:આઝાદીના 75 વર્ષે સિહોરના 26 ગામમાં ST આવતી નથી

સિહોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અભ્યાસ માટે અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓને ફરજિયાત ખાનગી વાહનોમાં જીવના જોખમે જવું પડે છે

આજે દિન-પ્રતિદિન લોકોની સુવિધા પ્રત્યેની અપેક્ષાઓ વધી રહી છે. લોકો પાયાની સુવિધા પ્રત્યે બેહદ સજાગ અને સતર્ક બની રહ્યા છે. અને એમાંય અમુક સુવિધાઓ તો લાં..બા ગાળાથી જૈસે થે હાલતમાં ફકત દુવિધારૂપે જ હોય લોકો તેનાથી ત્રાહીમામ પોકારી ઊઠતા હોય છે.સિહોર તાલુકાના 26 જેટલા ગામો આજે પણ આઝાદીના 75 વર્ષે પણ એસ.ટી. જેવી પાયાની સુવિધાથી વંચિત છે.

આજે દિવસે -દિવસે શિક્ષણનું પ્રમાણ વધતું જાય છે. ગ્રામ્ય લેવલે વિદ્યાર્થીઓ પ્રાથમિક કે બહુ બહુ તો માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ અર્થે શહેરમાં જતાં હોય છે. આ વિદ્યાર્થીઓએ મને-કમને ખાનગી વાહનોમાં અપ-ડાઉન કરવું પડે છે. રોજગારી માટે ગ્રામ્ય પંથકના લોકો શહેર તરફ દોડ મૂકી રહ્યા છે. આ લોકોને પણ ખાનગી વાહનોમાં જ આવ-જા કરવી પડે છે. તેમના ગામમાં એસ.ટી. ન આવવાને કારણે આ ગામોના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

અનેક ગામોમાં એસ.ટી. ન જવાને કારણે ખાનગી વાહનચાલકો દ્વારા મુસાફરો પાસેથી ખુલ્લેઆમ ભાડાની લૂંટ કરાઇ છે. અને લોકોએ પરાણે આ લૂંટ સહન કરવી પડે છે. અમુક ગામડા તો એવા છે કે જયાં સવારે એક થ્રી-વ્હીલ ચકરડો મળે. પછી બપોર સુધી બીજું કોઇ વાહન જ ન મળે. બપોર પછી બીજો એક વાહન થ્રી-વ્હીલ ચકરડો મળે.આમ, આખા દિવસ દરમ્યાન ફકત બે જ ખાનગી વાહનથી ગામલોકોએ ચલાવવું પડે છે. સિહોરથી વર્ષોથી ફકત એક જ ટાણા વરલ શટલ બસ શરૂ કરવામાં આવી છે.

આજ દિન સુધી સિહોરના બીજા ગામડાઓને જ્યાં આજદિન સુધી એસ.ટી. ન ગઇ હોય તેવા ગામોને જોડતી બસ શરૂ કરવામાં ન આવતા ગામ લોકોમાં એસ.ટી.તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. સિહોરથી અંતરિયાળ ગામડાઓમાં એસ.ટી. શરૂ કરવાની તાતી આવશ્યકતા છે.આ બાબતે સિહોરના આગેવાનો રસ લઇ કોઇ નકકર પરિણામ લાવે તે જરૂરી છે.

આ રહ્યા ST સુવિધાથી વંચિત ગામડાઓ
ભાંખલ, થાળા, ધ્રુપકા, ખાંભા, કરકોલિયા,મેઘવદર, ભડલી, જૂના જાળિયા, પાંચવડા, ઝરિયા, પીપરડી, પાડાપાણ, ભુતિયા, વાવડી (ગજા), મગલાણા, ભાણગઢ, પાલડી, નવાગામ (મોટા), નાનાસુરકા, કાંટોડિયા, પીપળિયા, ઉસરડ,કચોટિયા, બેકડી, થોરાળી, માલવણ

અન્ય સમાચારો પણ છે...