બે દાયકામાં ચોતરફ વિકાસ:ઔદ્યોગિક ક્ષેત્રે જિલ્લામાં અગ્રેસર સિહોરની ગઈકાલ ભવ્ય હતી અને આજ પણ રોચક છે

સિહોર2 વર્ષ પહેલાલેખક: અશોકભાઈ ઉલવા
  • કૉપી લિંક
  • જૈવિક સંસ્કૃતિના પાના પર સારસ્વતપુર કહેવાતું સિંહપુરમાં અનેક સ્થાપત્યો
  • રાજાશાહી વખતનો ભાવનગરી દરવાજો, સુરકાનો દરવાજો, ટાણા દરવાજાની વચ્ચે કિલ્લેબંધ સિહોરનો છેલ્લા બે દાયકામાં ચોતરફ વિકાસ

સિહોર એક ઐતિહાસિક નગર છે. અને એનો દેદીપ્યમાન વારસો સિહોરવાસી ગર્વ લઇ શકે એટલો જાજરમાન છે. પ્રાચીન ગ્રંથોમાં ભગવાન શ્રીકૃષ્ણ આ ધરતી પર આવ્યા હોવાનો ઉલ્લેખ છે. આથી આ નગરની ભૂમિ અત્યંત પવિત્ર છે. પોતાની પત્ની અહલ્યાને શાપ આપ્યા પછી સિંહપુર આવેલા ગૌતમ ઋષિએ તપશ્ચર્યા કરીને ભગવાન મહાદેવને પ્રસન્ન કર્યા હતા. એ સ્થળ આજે ગૌતમેશ્વર મહાદેવના નામથી સુપ્રસિધ્ધ છે. એક સમયે સિહોરની ફરતે ગાઢ જંગલ હતું અને એમાં વનરાજાનો વસવાટ હતો એટલે આ શહેરનું નામ સિંહપુર પડયું. સિહોર ગિરિમાળાઓની ગોદમાં વસેલું રમણીય શહેર છે.

પાટણના રાજવી સિધ્ધરાજ જયસિંહ જયારે સિંહપુર આવ્યા ત્યારે જે પાણીથી તેમના શરીર પરનો કોઢ દૂર થયો હતો એ સ્થળની સ્મૃતિરૂપે બ્રહ્મકુંડ બનાવ્યો હતો. જે આજે પણ સિહોરમાં ઐતિહાસિક વારસારૂપે સચવાયેલો છે. સિહોર એ શહેર છે કે જેનો ભવ્ય ઇતિહાસ કોઇ પણ રસિક વાચકને એક જ બેઠકે વાંચવાનું મન થાય. સિહોરએ એ શહેર છે કે જ્યાં મારવાડમાંથી ગુજરાતમાં આવીને વસનાર ગોહિલવંશના વિસોજીએ પોતાની રાજધાની ઉમરાળાથી બદલીને સિહોરમાં ફેરવી હતી.

અને ઈ.સ. 1575થી 1723 (વૈશાખ સુદ ત્રીજ ) સુધી એ રાજધાની તરીકે રહ્યું. ત્યારબાદ ભાવસિંહજી નામના રાજાએ સલામતીને ખાતર સિહોરની રાજધાની ખંભાતના અખાત નજીક દરિયા કાંઠે વડવા ( એટલે કે આજનું ભાવનગર) ખાતે વસાવી.આજ સિહોર શહેરે અનેક તડકા –છાંયડા ,આરોહ –અવરોહ અને ચડતી –પડતીની મેઘ ધનુષ્યી છાયાઓ જોઈ છે. આજે પણ સિહોરમાં તેના જાજરમાન ભૂતકાળની અનેક સ્મૃતિઓ હયાત છે.

વૈદિક સંસ્કૃતિના પાના પર જેને સારસ્વતપૂર કહેવાતું. ત્યારબાદ સિંહપુર એટલે આજનું સિહોર,આજે ઘણું વિકસ્યું છે. રાજાશાહી વખતમાં ભાવનગરી દરવાજો,સુરકાનો દરવાજો અને ટાણા દરવાજાની વચ્ચે ચોમેર ગિરિમાળાઓની વચ્ચે કિલ્લેબંધ વસેલું સિહોર આજે ચારે તરફ અફાટ વિકસ્યું છે.સિહોર એક ઐતિહાસિક નગર છે. સિહોર 21.43 ઉત્તર અક્ષાંશ અને 71.57 પૂર્વ રેખાંશની વચ્ચે આવેલું નગર છે. આ શહેરને ઝાકઝમાળ જાહોજલાલી અને ભવ્ય ઇતિહાસે આ શહેરને એક નવી ગરિમા અને ઊંચાઈ અર્પી છે.

સિહોરમાં ઘાંઘળી ફાટક અને નેસડા ફાટકની સમસ્યા છેલ્લા કેટલાય વર્ષોથી નગરજનો માટે શિરદર્દ સમાન બની ગઇ હતી. અને તેના કાયમી ઉકેલ માટે સરકારે ગ્રાન્ટ ફાળવી દીધી છે. નેસડા ફાટક પાસે અંડર બ્રિજનું કામ ચાલું છે. જયારે આગામી સમયમાં ઘાંઘળી ફાટક પર બ્રિજનું કામ શરૂ થઇ જશે. સિહોરમાં સતત વધતાં જતા ટ્રાફિકને નાથવા માટે બાયપાસની આવશ્યકતા છે. અને એ માટે સરકારમાં રજુઆતો પણ કરી દેવામાં આવી છે. આગામી સમયમાં બાયપાસની કામગીરી પણ હાથ ધરાશે.

સિહોરની ગઇકાલ ભવ્ય હતી અને સિહોરની આજ પણ રોચક છે. સિહોર આજે રાજકોટ રોડ પર અને ભાવનગર રોડ પર ઝડપભેર વિકસી રહ્યું છે. અનેકવિધ બહુમાળી મકાનો આકાર લઇ રહ્યા છે. ટેકરી પર બિરાજમાન સિહોરી માતા સિહોરના રખોપા કરે છે. સિહોરમાં આજે નવનાથ અને પાંચપીરના બેસણા છે. નવનાથ ઉપરાંત અન્ય કેટલાય શિવાલયો આવેલા હોવાથી સિહોર છોટે કાશી તરીકે સુપ્રસિધ્ધ છે. સિહોરમાં બહેનો માટે મહિલા કોલેજ બની ગઇ છે. વિવિધ હુન્નર શીખવતી આઇ.ટી.આઇ. સંસ્થા શરૂ છે.

એક પછી એક ઉદ્યોગથી સિહોર દેશભરમાં જાણીતું
જિલ્લાની સૌથી મોટી સર્વોત્તમ ડેરી આવેલી છે. જે ભાવનગર જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લામાં પણ દૂધ અને તેની બનાવટો મોકલે છે. ઉપરાંત અમદાવાદ રોડ પર અલગ-અલગ સ્પેરપાર્ટસ બનાવતી ભવ્ય હાઇ- ટેક કંપની આવેલી છે. જેના સ્પેરપાર્ટસ સૈન્યની રાઇફલ બનાવવામાં વપરાય છે. ભાવનગર રોડ ઉપર ફાર્મસીક્ષેત્રે અનન્ય નામના ધરાવતી જેનબર્કટ્ ફાર્માસ્યુટીકલ્સ લિમિટેડ કંપની આવેલી છે.

જેની દવાઓ વિદેશમાં પણ નિકાસ થાય છે. ભાવનગર રોડ પર જેનબર્કટ્ની બાજુમાં જ ગોરન ફાર્મા આવેલું છે. જે ડેન્ટોબેક નામે વિવિધ ફલેવરની ટૂથપેસ્ટ બનાવે છે. જેની વિદેશમાં પણ નિકાસ થાય છે.સિહોર તપકીરક્ષેત્રે પણ અવ્વલ નંબરે ગણાય છે.એન છીંકણી સમગ્ર દેશભરમાં જાણીતી છે.

અન્ય સમાચારો પણ છે...