હાલાકી:લહાણીની સીઝનમાં સિહોર પંથકમાં ખેતમજૂરોની ભારે અછત

સિહોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેતરમાંથી સમયસર પાક લેવાય તો આગામી શિયાળુ પાક માટે ખેડૂતો પુરતી તૈયારી કરી શકે અને મુશ્કેલી દુર થાય

હાલના સમયમાં દીપાવલીના તહેવારો શરૂ થઇ ગયા છે. તો બીજી તરફ ખેતીમાં લહાણીની સીઝન શરૂ થઇ છે. કપાસમાં જિંડવા ફાટી જવાથી કપાસ વીણવાની સીઝન શરૂ થઇ ગઇ છે. તો મગફળી ખેંચાવવાનું પણ શરૂ થઇ ગયું છે. જુવાર અને ઘાસ વઢાવવાનું શરૂ થઇ ગયું છે. પરંતુ આ માટે જરૂર પડે છે ખેતમજૂરોની પરંતુ અત્યારે સિહોર પંથકમાં ખેતમજૂરોની અછત હોવાથી ધરતીપુત્રો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

અત્યારે એક સાથે કપાસ, મગફળી, જુવાર, બાજરો અને ઘાસ વાઢવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને આ કામ એકી સાથે ચાલતું હોવાથી તેમાં ખેતમજૂરોની મોટા પ્રમાણમાં જરૂર પડતી હોય છે. ઘણીવાર ઘણે દૂરથી મજૂરો માટે સ્પેશ્યલ વાહન લેવા-મૂકવા આવે છે અને આ મજૂરો ત્યાં જતાં રહેવાથી સ્થાનિક કક્ષાએ મજૂરોની ભારે ખેંચ જોવા મળે છે.

અત્યારે જે–જે ચોમાસુ પાક હોય છે તે પાકને લઇ લેવામાં આવે તો જ શિયાળુ પાક લઇ શકાય તે માટે ખેડૂતોને ઘણાં દિવસો સુધી તડામાર તૈયારીઓ કરવી પડતી હોય છે. ખેતર સાફ થાય પછી તેમાં જરૂરી કયારા કરી નવા પાકની તૈયારીઓ શરૂ કરાતી હોય છે.

પુરતા મજૂરો મળી રહે તો દિવાળી પછી આગામી શીયાળુ પાક માટે ખેડૂતો હવે પછી કામે લાગશે. ત્યારે ખરીફ સીઝનના પાકો જો સમયસર લેવાય તો ખેડૂતોને હવે પછીના પાક લેવા માટે અનુકુળતા રહે.

સમયસર કામ પુરૂ ન થાય તો પુરતા ભાવ ન મળે
હાલમાં 300 રૂપિયાની 500 રૂપિયાની એક દિવસની દાડી લે છે. આમ છતાં જોઇએ એટલા મજૂરો મળતાં નથી. મજૂરો મનમાની દાડી લે છે. આમ છતાં પૂરતા પ્રમાણમાં દાડિયા મળતા નથી. જેને કારણે ધરતીપુત્રને જેટલા સમયમાં કામ પૂરું કરવું હોય તેટલા નિશ્ચિત સમયમાં કામ પૂર્ણ થઇ શકતું નથી અને તેનાથી ઘણીવાર નિપજના પૂરતા ભાવ પણ મળી શકતા નથી. આમ,પ્રવર્તમાન સમયમાં સિહોર પંથકમાં ખેતમજૂરોની ભારે અછત વર્તાવાથી ખેડૂતો પરેશાન- પરેશાન થઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...