સિહોર તાલુકાના કનાડ આજુબાજુના પંથકના ગામોમાં ભારે કમોસમી વરસાદ પડતાં કનાડ ગામની નદીમાં કાળે ઉનાળે પુર આવ્યું હતું. સિહોર તાલુકાના ધ્રુપકા ગામે કરા પડ્યા હતા. સિહોર શહેર સહિત ધ્રુપકા,ભડલી, ખાંભા,સર, કરકોલિયા, કનાડ સહિતના ગામોમાં હળવાથી ભારે વરસાદ વરસી જવા પામ્યો હતો. કેટલાય ધરતીપુત્રોના ખળામાં હજી ઘઉં પડ્યા છે. કેરીના પાકને સારા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. ડુંગળીએ તો પહેલેથી જ ધરતીપુત્રોને રોવડાવ્યા હતા, એમાં કમોસમી વરસાદ ધરતીપુત્રોની હાલત પડ્યા ઉપર પાટુ જેવી થઇ છે. તો તળાજામાં પણ આજે માવઠું વરસ્યું હતુ.
સિહોર પંથકમાં ગત વરસે તદ્દન ઓછો વરસાદ પડ્યો હતો. અને ત્યારથી જ ધરતીપુત્રોને આર્થિક ફટકો પડવો શરૂ થયો હતો. ચોમાસું પાકમાં જોઇએ તેવો ઉતારો ન આવ્યો. હવે શિયાળુ પાકનો પણ કચ્ચરઘાણ વળી જતાં ધરતીપુત્રોની હાલત ભારે કફોડી બની ગઇ છે. હવે તો ખમૈયા કરો એવી ધરતીપુત્રો પ્રાર્થના કરી રહ્યા છે.તળાજા શહેર તથા આજુબાજુના પંથકમાં આજે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા તળાજા શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યાના વાવડ છે
તળાજા પંથકમાં મોસમની વિષમ પ્રકારની બદલાતી તાસીર જોવા મળે છે કોઈ સમયે પવનના સુસ્વાટા સાથે વાદળો છવાઈ જઈને છુટા છવાયા વાદળો વરસી પડે છે, ઉનાળાના પ્રારંભે જ ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા માવઠાનો વરસાદ વાડી ખેતરમાં ઉભા પાકો તેમજ બાગાયતી ફળફળાદી અને શાકભાજીની ખેતીને નુકસાન થઈ રહ્યું છે, તેમજ બેવડી ઋતુને કારણે શરદી, કફ, ઉધરસ જેવા રોગચાળો ફેલાઈ રહ્યો છે. ધોળા જંકશનમાં તેમજ ગઢડામાં પણ આજે કમોસમી વરસાદ વરસ્યો હતો.
સિહોરમાં વીજળી પડતા મોબાઇલ ટાવર બંધ
સિહોરમાં મેઇન બજારમાં આવેલ માધવ ગોપાલ કૉમ્પ્લેક્ષમાં વીજળી પડતાં મોબાઇલ ટાવરની સેવા ઠપ્પ થઇ જવા પામી હતી. કૉમ્પ્લેક્ષની અમુક દુકાનોમાં વીજળી પણ ગુલ થઇ જવા પામી હતી. સિહોર તાલુકાના ટાણા ગામે પણ કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.
મહુવામાં માવઠાનો માહોલથી પાકને નુકશાન
મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના બગદાણા પંથકના આજુ બાજુના વિસ્તારમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા કરા અને પવન સાથે વરસાદ વરસ્યો હતો.
ગારીયાધારમાં પવનનાં સુસવાટા સાથે માવઠુ
ગારિયાધાર શહેર તેમજ પંથકમાં સાંજનાં 6 વાગ્યા આસપાસ વીજળીના કડાકા તેમજ પવનનાં સુસવાટા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.જાણે ચોમાસા વરસાદ આવતો હોય તેમ ઘોધમાર વરસાદ શરુ થયો હતો.ઘઉ જીરૂ કેરીનાં પાક ને ભારે નુકશાન આ વરસાદ પડવાથી થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.