સાંપ્રત સમસ્યા:પ્રાથમિક શાળાના શિક્ષકોના પગાર ઓનલાઇન કરવાની આવશ્યકતા

સિહોર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓફલાઇનની ધીમી પ્રક્રિયામાં 10 દિવસ વીતી જાય છે
  • શાળામાં ભણતા લાખો વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ સહિતના લાભ ઓનલાઇન મળે છે જ્યારે શિક્ષકોના પગાર હજી ઓફલાઇન થાય છે

21મી સદીનો ઇન્સ્ટન્ટ યુગ ચાલી રહ્યો છે. અત્યારે લગભગ બધી જ સરકારી યોજનાઓ ઓનલાઇન થઇ ગઇ છે. પ્રાથમિક શાળાથી શરૂ કરી કોલેજ સુધીના વિદ્યાર્થીઓની શિષ્યવૃતિઓના ફોર્મ પણ ઓનલાઇન ભરાય છે. અને આ વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ પણ તેમના ખાતામાં જ ડાયરેકટ જમા થાય છે. પરંતુ ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા લાખો શિક્ષકોના પગાર ઓનલાઇન કરવા માટેની માંગ શિક્ષક આલમમાં પ્રબળ બની છે.

ગુજરાતમાં હાલમાં લાખો વિદ્યાર્થીઓ પોતાનું ભાવિ ઘડી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને પહેલાં રોકડમાં શિષ્યવૃતિ ચુકવાતી હતી. પછી તેમાં થોડો સુધારો કરવામાં આવ્યો. બે-ત્રણ વરસ જે-તે વિદ્યાર્થીઓના ખાતામાં શિષ્યવૃતિ જમા કરવા માટે ચેક આપવામાં આવ્યા. અને હવે તો સીધી રાજય કક્ષાએથી જ ઓનલાઇન શિષ્યવૃતિ જમા કરવામાં આવે છે.

સરકાર જે-તે વિદ્યાર્થીઓને વરસમાં એક જ વાર શિષ્યવૃતિ ચુકવતી હોય છે.અને આ વિદ્યાર્થીઓની સંખ્યા પણ લાખોમાં હોય છે. જયારે દર મહિને જેઓને પગાર ચુકવવામાં આવે છે તેવા ગુરુજનોના પગાર હજી પણ ઓફલાઇન જ થાય છે. રાજય સરકારના કુલ કર્મચારીઓમાં અંદાજે 50 ટકા જેટલા કર્મચારીઓ પ્રાથમિક શિક્ષકો છે. છતાં આ બાબતે હજી કોઇ નકકર પગલાં લેવાતા નથી.

રાજય સરકાર ગાંધીનગરથી ગ્રાન્ટ છૂટી કરે. તે ગ્રાન્ટ જે-તે જિલ્લામાં આવે. ત્યાંથી જે –તે તાલુકામાં ફાળવણી થાય. તાલુકા પંચાયતોમાં હિસાબો કરવામાં બે-ત્રણ દિવસ નીકળી જાય. બાદમાં અમુક તાલુકામાં આખા તાલુકાના પ્રાથમિક શિક્ષકોનો એક સાથે તો અમુક તાલુકામાં કેન્દ્રવર્તી શાળાના આચાર્યને ચેક આપવામાં આવે છે. એમાંય બીજો શનિવાર આવી જાય તો બેંકમાં રજા હોય.

આ આખી પ્રક્રિયામાં આઠ-દસ દિવસે સહેજે વીતી જાય છે. જેને કારણે પ્રાથમિક શિક્ષકોના પગાર લગભગ દર મહિને મોડા થવાની વ્યાપક ફરિયાદ શિક્ષક આલમમાં ઊઠવા પામી છે. આથી ગુજરાત રાજયના પ્રાથમિક શિક્ષકોના પગાર વહેલામાં વહેલી તકે ઓનલાઇન કરવાની અપેક્ષિત માંગ ઊઠી છે. શિક્ષકોના પગાર હજી ઓફલાઈન થતા હોય ગ્રાંટ આવે અને ત્યારબાદ એકપછી એક કચેરીમાંથી પગારની પ્રક્રિયા પસાર થાય તેમાં ઓછામાં ઓછા 8થી10 દિવસ લાગે છે આથી શિક્ષકોના પગાર મોડા થાય છે.

અન્ય સમાચારો પણ છે...