જાહેર સ્થળોએ જો પાયાની સુવિધાઓ ઉપલબ્ધ ન હોય તો એ જાહેર સ્થળ ફક્ત શોભાના ગાંઠિયા સમાન જ બની રહેતા હોય છે. જૂના સિહોરમાં આવેલ સુખનાથ મંદિર પાસેનો બગીચો આવો જ એક બગીચો છે કે જ્યાં સુવિધાના નામે મોટું મીંડુ છે.
જૂના સિહોરમાં નગરપાલિકા દ્વારા બગીચો બનાવાયો છે. આ બગીચો સુખનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલો હોવાથી એ બગીચો સુખનાથ બગીચા તરીકે ઓળખાય છે. સિહોર શહેરના છેવાડે આવેલ આ બગીચો સિહોરવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની શકે તેમ છે પરંતુ અત્યારે એમાં ખાસ કંઇ સુવિધા જેવું નથી. બાગમાં અનેક જગ્યાએ બાવળિયા અને આકડા ઊગી ગયા છે. વ્યવસ્થિત ક્યારાઓ નથી. હીંચકાઓ છે પણ તે શોભાના ગાંઠિયા સમાન. આખા બાગમાં કયાય બેસવા માટે બાંકડાની સુવિધા નથી. પ્રવેશ દ્વારે દરવાજો જ નથી.
આ બાગની હાલત સાવ બિસ્માર બની ગઇ છે. અવાવરું જગ્યા જેવું લાગે. નજીકમાં જ સુખનાથ મહાદેવ મંદિર આવેલું હોય જો તંત્ર દ્વારા આ બાગને વિકસાવવામાં આવે તો રવિવારે ભગવાન મહાદેવના દર્શનાર્થે આવતા ભાવિક ભક્તજનો પોતાના પરિવારજનો સાથે અહીં સમય પસાર કરી શકે.હાલમાં આ બાગના વિકાસ તરફ દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.