બેદરકારી:લોટ, પાણી અને લાડવા જેવું ટાણા-વરલ રોડનું નબળું કામ

સિહોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ રોડની ગુણવત્તાની ચકાસણી જરૂરી
  • રોડનું થઇ રહેલું કામ અત્યારથી નબળું હોય તો તેનું આયુષ્ય કેટલું રહેશે તેની લોકોમાં થઇ રહેલી ચર્ચા

છેલ્લા કેટલાય વરસથી ટાણાથી સિહોર સુધીનો માર્ગ સાવ તૂટીને ત્રણ ભાગનો થઇ ગયો હતો. અને આ માર્ગ પર અવારનવાર થીંગડા મારવામાં આવતા હતા. આથી રોડનું મૂળ અસ્તિત્વ જ ગાયબ થઇ ગયું હતું. આથી આ રોડને રિ-કાર્પેટ કરવા માટે પ્રબળ લોકમાંગ ઊઠવા પામી હતી. આખરે સિહોર –ટાણા-વરલ રોડને રિ-કાર્પેટ કરવાનું શુભ મુહૂર્ત આવ્યું તો ખરું,પણ આ આનંદ આ વિસ્તારના રહીશો માટે ચાર દિન કી ચાંદની સમાન બની ગયો છે. અત્યારે જે રોડનુ કામ થઇ રહ્યું છે તે લોટ, પાણી અને લાડવા જેવું થતું હોવાની ટાણા પંથકમાં લોકચર્ચા જાગી છે.

હવે જયારે આ રોડ બની રહ્યો છે ત્યારે સ્વાભાવિકપણે જ એ લોક અપેક્ષા હોય છે કે આ રોડનું કામ ટનાટન થાય. જેથી આ રોડ પરથી પસાર થતાં વાહનચાલકોને ખાડાખડિયામાંથી મુકિત મળે. આ રોડ પરથી દિવસ દરમ્યાન સિહોર, સાગવાડી, સર, કાજાવદર, જાંબાળા, બોરડી, ટાણા, અગિયાળી, દેવગાણા, સખવદર, મઢડા, બુઢણા, લવરડા, ઢુંઢસર, સરકડિયા (ટાણા), વરલ, થોરાળી, દિહોર સહિતના ગામોના વાહનચાલકો પસાર થાય છે. જો આ રોડનું કામ અત્યારથી નબળું હોય તો આ રોડનું આયુષ્ય કેટલું એવું આ વિસ્તારના રહીશોમાં ચર્ચાઇ રહ્યું છે. આથી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ આ રોડની ગુણવત્તાની ચકાસણી કરે અને જરૂરી કાર્યવાહી હાથ ધરે તેવી આ ટાણા પંથકના લોકોની પ્રબળ લોકમાંગ ઊઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...