તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:દેવગાણા પંથકની ત્રણ શાળા મર્જ કરવાના નિર્ણયનો વિરોધ

સિહોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાળા મર્જ કરવાથી બીજી શાળાનું અંતર વધશે
  • જો ત્રણેય શાળાઓને મર્જ કરવામાં આવશે તો જિ.પં. કચેરીએ આંદોલનની ચિમકી

સિહોર તાલુકાના દેવગાણા પંથકની ત્રણ પ્રાથમિક શાળાઓને મર્જ કરવાનો નિર્ણય કરાયો છે. આ શાળાઓને મર્જ ન કરવા માટે દેવગાણા જિલ્લા પંચાયતના સદસ્ય પથુભાઇ ચૌહાણએ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી છે.

સમાવેશ કરાયેલ શાળાઓમાં તરકપાલડી પ્રા.શાળાને અગિયાળી પ્રા.શાળામાં,કરમદિયા પ્રા.શાળાને દંગાપરા ખોખરા પ્રા.શાળામાં અને ગોપાલ આશ્રમ વિસ્તાર દેવગાણાની શાળાને દેવગાણા કેન્દ્રવર્તીમાં મર્જ કરવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયથી આ વિસ્તારના લોકોમાં રોષની લાગણી પ્રવર્તી છે અને આ વિસ્તારના રહીશો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાના છે તેવો સુર સંભળાઇ રહ્યો છે. આ ત્રણેય વિસ્તારની શાળાઓ મર્જ થવાથી જે-તે વિસ્તારથી નવી શાળાનું અંતર 1.5 કિલોમીટર થી 3.5 કિલોમીટર સુધીનું છે. જેથી નાના બાળકો આટલું અંતર કાપીને શાળાએ જઇ શકે નહીં. જેથી આ વિસ્તારના બાળકો શિક્ષણથી વંચિત રહી જવા પામે તેવી શકયતા છે.

ગામડાના ગરીબ અને મજુર વર્ગના લોકો પોતાના કામે જાય કે બાળકોને શાળાએ મૂકવા જાય તેવી સ્થિતિ પેદા થશે. અગાઉના સમયમાં 100 ટકા સાક્ષરતા માટે ગામડે-ગામડે શાળાઓ શરૂ કરવામાં આવેલ. આ શાળાઓ નિભાવવાને બદલે શાળાઓ મર્જ કરવાનો નિર્ણય લઇ, નાના નાના ગામડાઓને અન્યાય કરાઇ રહ્યો છે. આ બાબતે ફેર વિચારણા કરીને શિક્ષકોની સંખ્યા ઘટાડીને પણ ગ્રામ્ય સ્તરે ધો.1થી 5 સુધીનું શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ કરાઇ છે.જો દેવગાણા પંથકની ત્રણેય શાળાઓ મર્જ કરવામાં આવશે તો જિલ્લા પંચાયતના પટાંગણમાં આ વિસ્તારના રહીશો અને વાલીઓ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઇ છે.

અન્ય સમાચારો પણ છે...