રોષ:સિહોરમાં મોબાઇલ નેટવર્કની સમસ્યાથી ઓનલાઇન કામ ઠપ્પ

સિહોર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાવાઝોડાને દિવસો વિત્યા પણ હાલત સુધરી નથી
  • દરેક ખાનગી કંપનીના સંતોષકારક કવરેજ નહીં મળતા ગ્રાહકોમાં રોષની લાગણી છવાઇ

આજના ઇન્ટરનેટના યુગમાં સંદેશા વ્યવહાર માટે મોબાઇલની કંપનીઓ વચ્ચે ગ્રાહકોને આકર્ષવા ગળાકાપ હરીફાઇઓ ચાલી રહી છે. બીજી તરફ તૌકતે વાવાઝોડા બાદ સિહોરમાં ખાનગી કંપનીઓની સુવિધાને લુણો લાગતા ગ્રાહકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. સિહોર જેવા ઔધોગિક નગરમાં નેટવર્કની આ હાલત હોય તો ગ્રામ્ય લેવલે શું હાલત હશે એ કલ્પનાતીત છે.

સિહોરમાં છેલ્લા કેટલાક સમયથી ખાનગી કંપનીઓની સુવિધા સતત કથળતી જતી હતી. અને તેમાં બાકી હતું તો વાવાઝોડું ત્રાટકયું. જેથી મોબાઇલ ધારકોને પડયા ઉપર પાટું જેવી સ્થિતિ થઇ. આજે કોલિંગ તો ઠીક ઇન્ટરનેટની દુનિયામાં વોટસએપ, ફેસબૂક, ટવિટર, યુ-ટયૂબની બોલબાલા છે.અને જો ઇન્ટરનેટમાં સ્પીડ ન આવે તો ગ્રાહકોમાં રોષ ફાટી નીકળતો હોય છે.

મોબાઇલ કાર્ડની ખાનગી કંપનીઓની લંગડાતી સેવાને કારણે સિહોરવાસીઓ હેરાનની હાટડી થઇ રહ્યા છે. હવે તો મોબાઇલમાં પણ મોબાઇલ ડેટા અને હોટ સ્પોટ શરૂ કરીને કોમ્પ્યુટરમાં નેટ વાપરી શકાય છે. પરંતુ જયાં નેટવર્કનો અભાવ હોય ત્યાં બીજી વાત તો શું કરવી ? વાવાઝોડું વીત્યાને ખાસ્સા દિવસો પસાર થઇ ગયા, પણ હજી સુધી લગભગ દરેક ખાનગી કંપનીઓનું સંતોષકારક કવરેજ ગ્રાહકોને મળતું નથી.

આ અંગે નગરજનોમાં રોષ છે.ઇન્ટરનેટના માધ્યમથી અનેકવિધ ઓનલાઇન કામગીરી થતી હોય છે. પણ ઇન્ટરનેટ જ કાચબાની ગતિએ ચાલતું હોય તો, ગ્રાહકો કયાં જાય ? કોને ફરિયાદ કરે. જો આ સમસ્યા જૈસે થૈ રહી તો કેન્દ્રીય મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન, ટ્રાયને ફરિયાદ કરવા અંગે પણ નગરજનોમાં ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...