સિહોરમાં ડુંગરોના ગેરકાયદે ખનનની પ્રવૃતિઓ જાણે તંત્રનો કોઇ ડર ન હોય તેમ બેરોકટોક થઇ રહી છે. આ ગેરકાયદે પ્રવૃતિઓને કારણે અનેક ડુંગરાઓ કપાઇ રહયા છે ત્યારે તંત્રએ વીના વિલંબે પ્રવૃતિને અટકાવવા કડક કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે.
સિહોરની ગિરિમાળાઓ સમગ્ર જિલ્લામાં જાણીતી છે. અહીં ડુંગરોની હારમાળા અને તે વૃક્ષાચ્છાદિત હોય નયનરમ્ય પ્રકૃતિના દર્શન થતાં. સિહોરમાં ભૂમાફિયાઓ દ્વારા કુદરતની અમૂલ્ય ભેટ સમાન ડુંગરાઓ કોતરાઇ રહ્યા છે અને પ્રાકૃતિક સંપતિનો નાશ થઇ રહ્યો છે.
સિહોરએ ગિરિમાળાઓની ગોદમાં આવેલું પ્રાચીન શહેર છે. આજે પણ આ શહેરની ફરતે આવેલી ગિરિમાળાઓ સિહોરની આન,બાન અને શાન છે પરંતુ હવે આ શહેરની આજુબાજુ આવેલ ડુંગરાઓને કોતરવામાં આવી રહ્યા છે તેનું ગેરકાયદેસર ખનન થઇ રહ્યું છે અને આ દિશામાં કોઇ નક્કર પગલાં લેવાતાં નથી. માનવ જાત ધીમે –ધીમે કુદરત અને પ્રકૃતિથી વિમુખ થઇ રહી છે. અને તેના પરિણામ પણ આપણે સૌ ભોગવી રહ્યા છે. સિહોરની આજુબાજુનો વિસ્તાર પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે અને પ્રાકૃતિક સૌંદર્યનો નાશ થઇ રહ્યો છે.
પ્રકૃતિને બચાવવીએ આપણી સૌની નૈતિક ફરજ
કુદરતી સંપતિએ કુદરતે માનવ જાતિને આપેલી અનમોલ અને અમૂલ્ય ભેટ છે. જેને બચાવવી જ રહી, અન્યથા આપણે તેના માઠા પરિણામ ભોગવવા જ પડશે. જો આ બાબતે આંખ આડા કાન કરવામાં આવશે તો તેના ગંભીર પરિણામ આપણે સૌ ભોગવવા જ રહ્યા. તંત્ર આ બાબતે ગંભીર બની કોઇ ચોક્કસ અને ઠોસ કદમ ઉઠાવે તે હાલના તબક્કે અત્યંતર આવશ્યક બની ગયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.