સમસ્યા:સિહોરમાં નવા વર્ષના આરંભથી જ પાણીનો કકળાટ

સિહોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નગર પાલિકાની અણઘડ નિતીના કારણે નગરજનોને છ - સાત દિવસે કરાતુ પાણીનું વિતરણ
  • શિયાળાની શરૂઆતમાં જ આ સ્થિતી તો આગામી દિવસોમાં પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થશે

દિવાળીના તહેવારો પુરા થયા અને હવે ધીમે પગલે શિયાળાના પગરવ થઇ રહયાં છે ત્યારે સિહોરમા શિયાળાના આરંભે જ પાણીની સમસ્યા ડોકીયા કરી રહી છે.તંત્ર જો અત્યારથી આયોજન કરશે તો આગામી ઉનાળામાં વિકટ પરિસ્થિતિનો સામનો કરવો ન પડે.હાલમાં તો સિહોરની જનતાને છ -સાત દિવસે પાણી વિતરણ થાય છે જે બરાબર ન કહી શકાય. આ વરસે સિહોર પંથકમાં તદ્દન ઓછો કહી શકાય એટલો વરસાદ પડ્યો છે. આખું સિહોર અત્યારે લગભગ મહિ પરીએજના પાણી પર નિર્ભર છે અને સિહોરમાં અત્યારથી જ પાણીની અછત શરૂ થઇ જતાં નગરજનોમાં આ બાબતે ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.

હજી તો શિયાળાની શરૂઆત છે અને આગામી દિવસોમાં પાણીની કેવી વિકટ પરિસ્થિતિ ઉભી થશે તેની કલ્પના જ ધ્રુજાવી દે તેવી છે. શહેરી વિકાસ મંત્રાલય દ્વારા નગરપાલિકાને કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ આ ગ્રાન્ટ ક્યાં છૂ મંતર થઇ જાય છે તેનું નગરજનોને આશ્ચર્ય છે. સિહોરમાં સાત-સાત દિવસે પાણી વિતરણ થાય અને અન્ય શહેરોમાં રોજ પાણી વિતરણ થતું હોય તો જવાબદાર કોણ ? સિહોરમાં નવા વર્ષના આરંભે જ પાણીના ધાંધિયાની વ્યાપક ફરિયાદો ઊઠવા પામી છે.

સિહોરમાં કોર્ટની પાછળના વિસ્તારમાં, હંસદેવ બગીચા પાસેના વિસ્તાર, ગાયત્રીનગર,રામનગર વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં છ થી સાત દિવસે પાણી વિતરણ થાય છે. પાણીએ રોજિંદી જરૂરિયાત છે. હજી તો શિયાળાની શરૂઆત પણ નથી થઇ. અત્યારથી જો આ હાલત થઇ છે તો આગળ જતાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તે કલ્પનાતીત છે. અમુક જગ્યાએ પાણીની લાઇનો લિકેજ છે ત્યાં રોડ પર પાણી વહ્યા કરે છે તો અમુક વિસ્તારમાં વિતરણ વ્યવસ્થાના અભાવે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

જનતાને બે-ત્રણ દિવસે પાણી મળે તેવા પ્રયાસો છે
સિહોરની જનતાને પહેલા સાત દિવસે પાણી વિતરણ કરાતુ હતુ હાલમાં પાંચ દિવસે વિતરણ કરીએ છીએ હજુ પણ આગામી સમયમાં શહેરની જનતાને અઠવાડીયામાં બે-ત્રણ દિવસે પાણી મળી રહે તેવા અમારા પ્રયત્નો છે.લોકોને પાણી પુરતુ મળી રહે તે માટે પાણીનો સ્ટોક અંગે આયોજન કરીએ છીએ.સરકારમાંથી પાણી માટે કોઇ ગ્રાન્ટ નથી આવી.જદ ગ્રાન્ટ આવે તો નવા પ્રોજેકટ માટે આવતી હોય છે.આવતા દિવસોમાં લોકોને શકય એટલી ઓછી મુશ્કેલી પડે તેવા પ્રયત્નો અમારા છે. > બિપીનભાઇ મારકણા, ચિફ ઓફીસર,સિહોર નગર પાલિકા

અન્ય સમાચારો પણ છે...