સ્વચ્છતા અભિયાનનું સુરસુરિયું:સિહોરમાં હાઇ-વે પર આવેલી કચરાપેટીઓ જ ગાયબ થઇ ગઇ

સિહોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિહોરમાં ગુંદાળા વિસ્તારથી શરૂ કરી વિજય પેલેસ સુધીમાં કેટલીય કચરા પેટીઓ મુકાયેલી તે અદ્રશ્ય

સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આજે દિવસે દિવસે લોકોની સ્વચ્છતા પ્રત્યેની અપેક્ષાઓ વધી રહી છે. લોકો સ્વયંભુ સ્વચ્છતા દાખવી રહ્યા છે. અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ પણ આ બાબતે લોકોને જાગૃત બનાવી રહી છે. સ્વચ્છતા એટલે ચોખ્ખાઇ. સ્વચ્છતાની લોકોના આરોગ્ય પર સીધી અસર થતી હોય છે.પરંતુ સિહોર નગરપાલિકાએ સ્વચ્છતા માટે હાઇ-વે પર મૂકેલી કચરાપેટીઓ પૈકીની મોટાભાગની કચરાપેટીઓ ગાયબ થઇ જતાં નગરજનોમાં આશ્ચર્ય ફેલાયું છે.

સિહોર નગરપાલિકા લોકોને પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ જતી હોય એવું નગરજનોને લાગી રહ્યું છે. છતે પાણીએ પાંચ કે સાત દિવસે શહેરમાં પાણી વિતરણ થાય છે. ઘેર-ઘેર કચરો લેવા માટે રાજય સરકારે વાહન તો ફાળવ્યા,એમાં પણ કોઇ ઢંગધડા નહીં. બાકી હતું તો હાઇ-વે પરની મોટાભાગની કચરા પેટીઓને પાંખ આવી ગઇ હોય એમ ગાયબ થઇ ગઇ છે. સિહોરમાં ગુંદાળા વિસ્તારથી શરૂ કરી વિજય પેલેસ સુધીમાં કેટલીય કચરા પેટીઓમાં મૂકવામાં આવી હતી.

સિહોર નગરપાલિકાના સ્વચ્છતા અભિયાનનું સુરસુરિયું થઇ ગયું. આ માટે જવાબદાર કોણ ? કચરાપેટીઓ રોડ પર રખડતા ઢોરે તોડી નાખી કે પછી તેને ઇરાદાપૂર્વક કોઇ લઇ ગયું એ પણ એક કોયડો છે. રોડ પરની દુકાનવાળા કે રહેણાંકી મકાનવાળા આ કચરાપેટીમાં કચરો નાખે અને નગરપાલિકાનું વાહન સમયાંતરે આવીને તેમાંથી કચરો લઇ જાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

પરંતુ હવે હાઇ-વે પર ગંદકીનું પ્રમાણ વધશે. સિહોરમાંથી પસાર થતાં મુસાફરો સિહોરની ગંદકી અંગેની ચર્ચાઓ કરશે. આ કચરાપેટી પાછળ સરકારી ગ્રાન્ટનો ઉપયોગ થયો હશે. તે બધું વ્યર્થ ગયું. સિહોરને સાફ સુથરું રાખવા નગરપાલિકા કોઇ નકકર અને ચોકકસ પગલાં લે તે અત્યંત આવશ્યક છે.

અન્ય સમાચારો પણ છે...