સોને પે સુહાગા:સિહોરમાં ગૌતમી નદી પર રિવર ફ્રન્ટ બને તો શહેરીજનોને રમણિય સ્થળ મળે

સિહોર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિવર ફ્રન્ટની સુવિધાથી સિહોરની યશકલગીમાં એક ઓર પીંછું ઉમેરાશે
  • ગૌતમ ઋષિના નામ પરથી ગૌતમી નદીનું અનેક રીતે મહત્વ : તંત્ર દ્વારા જરૂર છે સક્રિય પ્રયાસોની

સિહોરએ દિવસે -દિવસે વધુને વધુ વિકસતું અને વિસ્તરતું જતું શહેર છે. ઐતિહાસિક અને ધાર્મિક દષ્ટિએ સિહોરનું એક અનેરું મહત્વ છે. સિહોરની ઐતિહાસિક જાહોજલાલી જવલંત હતી એના ઐતિહાસિક સ્થાપત્યો આજે પણ સિહોરના દેદીપ્યમાન ઇતિહાસની ઝાંખી કરાવે છે પરંતુ આજે દિવસે -દિવસે સિહોરનો ઐતિહાસિક વારસો ઝાંખો પડતો જતો હોય એવું લાગે છે અને સુવિધાની બાબતમાં પણ સિહોરનું તંત્ર ઊંઘતું હોય એવો લોકોને ભાસ થઇ રહ્યો છે. સિહોરમાં ગૌતમ ઋષિના નામ પરથી જેનું નામ રાખવામાં આવ્યું હતુ.

સિહોરમાં મુકતેશ્વર મહાદેવ નજીક ગૌતમી નદીના પટ પર રિવર ફ્રન્ટ બનાવવાની લોકમાંગ પ્રબળ બની રહી છે. અમદાવાદમાં રિવર ફ્રન્ટ બનાવવાને કારણે લોકો માટે એ સન્ડે સ્પેશ્યલ બની ગયું. સિહોરમાં ગૌતમી નદીના તટ પર મુકતેશ્વર મહાદેવના મંદિરે ભાવિકો અને પ્રવાસીઓમાં સારું એવું આકર્ષણ જમાવ્યું છે. અહીં જ ગૌતમી નદીનો કિનારો છે.

અહીંથી સિહોરી માતા, સિહોરના ઐતિહાસિક કિલ્લાનો અદભુત નજારો નિહાળી શકાય છે. જો અહીં ગૌતમી નદીના તટ પર ગુજરાત સરકાર પ્રવાસન વિભાગ દ્વારા રિવર ફ્રન્ટ બનાવવામાં આવે તો આ સિહોરની યશ કલગીમાં એક ઓર પીછું ઉમેરાશે. આમેય તે સિહોરના મોટાભાગના સ્થળોની રોનક ઝંખવાતી જાય છે અને આ જ રોડ પર પ્રખ્યાત ગૌતમેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે.

તો રજાઓમાં હરવા-ફરવા માટેનું સુંદર સ્થળ મળે
સિહોરમાં રવિવારે લોકો પોતાના પરિવાર સાથે કે પોતાને ત્યાં આવેલા મહેમાનોને સાથે લઇને રજાનો આંનદ માણી શકે તે માટે રિવર ફ્રન્ટ એક ઉત્તમ સુવિધા બની શકે તેમ છે. આજે દિવસે -દિવસે લોકોની સુવિધા પ્રત્યેની અપેક્ષાઓ વધી રહી છે. સિહોરમાં રિવર ફ્રન્ટ જેવી પાયાની સુવિધા માટે સિહોરવાસીઓએ હજી કેટલો સમય રાહ જોવી પડશે.? આ માટે સિહોરના નેતાઓ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી, સિહોરની એક નકકર સુવિધામાં વધારો કરે તેવું નગરજનો ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...