સિહોર કોર્ટમાં રજિસ્ટાર તરીકે ફરજ બજાવતા અધિકારી સાથે તેમના ભાઇના હોમલોનના બહાને અર્ધા લાખની છેતરપિંડી થયાની ફરિયાદ સિહોર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. સિહોર કોર્ટમાં રજિસ્ટાર તરીકે ફરજ બજાવતા જિતેન્દ્રભાઇ દેસાભાઇ પુરાણી ગત તા.20/10/2022ના રોજ સિહોર કોર્ટમાં પોતાની ફરજ પર હતા ત્યારે તેમના મોબાઇલ નંબર પરથી અલગ-અલગ સમયે હિન્દી ભાષામાં ફોન આવેલ. અને ફોન કરનાર પુરુષે જણાવેલ કે હું દરબારગઢ એસ.બી.આઇ.માંથી બોલું છું.
તમારા ભાઇ રાજેશભાઇ દેસાભાળ પુરાણીની હોમલોનની પ્રોસેસ ચાલુ છે. જેઓ મારી સામે બેઠા છે અને તમારે એના ગેરેન્ટર તરીકે તમારા ભાઇના ખાતામાં 50 હજાર જમા કરાવવા પડશે. હાલ તેમનું ખાતું ફ્રીજ છે. તમારા ભાઇના ખાતામાં રકમ જમા થશે અને પછી તમને મળી જશે. જિતેન્દ્રભાઇએ તેમના ભાઇ સાથે ફોન પર વાત કરવાનું જણાવતા તેઓને ફોનમાં સંભાળવેલ કે હોમ લોનની પ્રોસેસ ચાલું છે.ચંદાદેવીના મોબાઇલ નંબર ઉપર ફોન પેથી 50 હજાર ટ્રાન્સફર કરેલ. આટલી મોટી રકમ જમા કરાવ્યા બાદ તરત આ ફોન નંબરવાળાએ જણાવેલ કે તમારે બીજા 10 હજાર જમા કરાવવા પડશે.
આથી જિતેન્દ્રભાઇએ તેઓને કહ્યું કે તમોએ પહેલેથી જ કહ્યું હોત તો મેં 60 હજાર જમા કરાવી દીધા હોત. બાદમાં તેઓને શંકા જતાં તેઓએ તેમના ભાઇ સાથે વાત કરાવવા કહ્યું. પરંતુ વાત કરાવવામાં વાર લાગતા તેઓની શંકા વધુ મજબૂત બની. સામેવાળાએ ફોનમાં વાત તો કરાવી પણ કંઇ સમજાતું નહોતું. આથી જિતેન્દ્રભાઇએ ફોન કાપી નાખી, ફરીથી ફોન કરતાં ટ્રુ કોલરમાં બેન્ક ફ્રોડ લખાયેલું આવેલ.
જે અંગે સામેવાળાને કહેતા તેઓએ કહ્યું કે અમે બેન્ક ફ્રોડ નહીં, બૅંક ફોઝ છે. બાદમાં જિતેન્દ્રભાઇએ તેમના ભાઇ સાથે વાત કરતાં તેમના ભાઇએ જણાવેલ કે કેવાયસીની વાત થઇ હતી,પણ પૈસા ટ્રાન્સફરની કોઇ વાત થઇ નથી. બાદમાં જિતેન્દ્રભાઇએ સાઇબર ક્રાઇમના 1930 નંબર ઉપર ફોન કરી કમ્પલેઇન કરેલ. પરંતુ તેમના નાણાં પરત નહીં મળતાં તેઓએ મોબાઇલધારક અને ચંદાદેવી વિરુદ્ધ સિહોર પોલીસમાં ફરિયાદ થઇ છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.