લડત રંગ લાવી:આખરે પાંચતલાવડા- દેવળિયાના રસ્તાનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાશે

સિહોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંદોલન-ગ્રામસભાનો બહિષ્કાર સહીત લડત રંગ લાવી
  • ​​​​​​​ચોમાસામાં વરસાદી પાણી ભરાઇ જવાથી રસ્તો સાવ બંધ થઇ જતો હતો અને લોકો વાડી-ખેતર જઇ શકતા ન હતા

સિહોર તાલુકાના પાંચતલાવડા ગામથી દેવળિયા સુધીના બે કિલોમીટરના માર્ગમાંથી એકાદ કિલોમીટરનો માર્ગ ચોમાસામાં વરસાદી પાણી ભરાઇ જવાથી સાવ બંધ થઇ જતો હતો. આ રસ્તા પર પાંચતલાવડા ગામના લોકોની વાડીઓ આવેલી છે.ચોમાસામાં તળાવ ભરાઇ જાય ત્યારે વધારાનું પાણી આ રસ્તા પર આવી જતું હતું. જેથી દિવસો સુધી રસ્તો બંધ થઇ જતો હતો અને લોકો પોત-પોતાના વાડી-ખેતર જઇ શકતા નહોતા. આ અંગે પાંચતલાવડાવાસીઓએ વિરોધ દર્શાવી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન છેડયું હતું.ગ્રામસભાનો બહિષ્કાર પણ કર્યો હતો. અને આખરે ગામવાસીઓનેએમાં સફળતા મળી છે.

ચોમાસામાં પાણી ભરાયા બાદ રસ્તો બંધ થઇ જવા અંગે પાંચતલાવડાવાસીઓ દ્વારા છેલ્લા બે-ત્રણ વરસથી આંદોલન ચલાવાઇ રહ્યું છે. લેખિત અને મૌખિક રજુઆતો કરવામાં આવી હતી. આવેદનો પાઠવવામાં આવ્યા હતા. આખરે તંત્રના બહેરા કાને આ વાત અથડાઇ અને તંત્ર જાગ્યું. મનરેગા યોજના અંતર્ગત 13,58,190/-રૂ.ની ગ્રાન્ટ ગ્રામ પંચાયતને ફાળવાઇ છે.આથી આ રસ્તાનો કાયમી પ્રશ્ન હલ થશે.આથી પાંચતલાવડાવાસીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.

હાલમાં 13 લાખની ગ્રાંટમાંથી નેળનો રસ્તો એમ ને એમ રહેશે. નેળની બાજુમાંથી પાળા ઉપર મેટલિંગ કામ કરવામાં આવશે. જેથી આ રસ્તાનો પ્રશ્ન હલ થશે અને ગામલોકોને રોજગારી પણ મળશે. આગામી એકાદ સપ્તાહમાં રસ્તાનું કામ શરૂ થઇ જશે. ઉપરાંત આગામી 2022-23ના વર્ષમાં આ રસ્તાને નોન –પ્લાનિંગ રસ્તામાં લેવાશે એમ ગામના સરપંચ બાલાભાઇ ડાંગર દ્વારા જણાવાયું છે. દર ચોમાસામાં લોકોને પડતી મુશ્કેલીઓનો આખરે અંત આવશે જેથી લોકોને રાહત થશે.

અન્ય સમાચારો પણ છે...