તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:વાવાઝોડાના 14 દિવસ પછી પણ હજુ સિહોર-વલભીપુર પંથકમાં ખેતીવાડીમાં વીજ પુરવઠો ઠપ્પ

સિહોર/ વલભીપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાડી વિસ્તારોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં તંત્રની ધીમી કામગીરીથી લોકોમાં રોષ
  • કાળઝાળ ગરમીમાં પાણી વગર પાકો સુકાયા,માલઢોરને પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ

મેના મધ્યમાં તાઉતે વાવાઝોડાએ ગુજરાતને સારી રીતે ધમરોળી નાખ્યું હતું. અને વરસાદ અને વાવાઝોડાને કારણે સમગ્ર ગુજરાતમાં કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું. અને હજી પણ તેની વિપરીત અસર જનજીવન પર દેખાઇ રહી છે. સૌરાષ્ટ્રના અનેક ગામો અને શહેરોમાં સંખ્યાબંધ વીજ પોલ પડી ગયા હતા. જેને કારણે શહેરો અને ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. પરંતુ વીજ તંત્રની ભારે કવાયત બાદ શહેરો અને ગામડાઓમાં વીજ પુરવઠો શરૂ થઇ શકયો છે પણ વાડી વિસ્તારમાં હજી પણ વીજ પુરવઠો શરૂ ન થઇ શકતા ધરતીપુત્રો હાલાકી ભોગવી રહ્યા છે.

ખાસ કરીને જિલ્લાના સિહોર અને વલભીપુર તાલુકાના વાડી વિસ્તારોમાં વીજળીના અભાવે માલધારીઓ,ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહયાં છે.વાવાઝોડું વીત્યાને બે અઠવાડિયા જેટલો ખાસ્સો સમય પસાર થઇ ગયો છે. અને વીજ તંત્ર હજી પણ શહેરના વિવિધ વિસ્તારોમાં રિપેરીંગ કરે છે. ગામડાની તો વાત જ શી કરવી ? અને એમાંય ખેતીવાડીની લાઇટની તો વાત જ નહીં કરવાની. ગામડાઓમાં ઘણા લોકો વાડી વિસ્તારમાં રહે છે. આ લોકોને લાઇટ વિના ભારે હાલાકી સહન કરવી પડી રહી છે. બોરમાંથી પાણી ખેંચવા માટે અને અસહ્ય પડતી ગરમી સામે રક્ષણ મેળવવા માટે આબાલવૃધ્ધ સૌ કોઇને વીજ પુરવઠાની જરૂરિયાત રહે છે.

ખેડુતો અને માલધારીઓ દિવસ દરમ્યાન ચાર્જેબલ બેટરીઓ અને બલ્બ સવારનાં ગામમાં ઘરે ચાર્જ કરી લે છે. અને રાત્રી દરમ્યાન વાડી,ખેતરમાં પ્રકાશ માટે ઉપયોગ કરે છે. તેમ છતાં રાત્રીના સમયે જીવ જંતુઓના જોખમ સાથે પશુઓને ઘાસચારો નીરણ કરવો પડે છે. અબોલ પશુઓ માટે પશુપાલકોએ દૂર-દૂરથી પાણીની વ્યવસ્થા કરવી પડે છે. આ બાબત ગંભીર છે. રાજય સરકાર સિહોર પંથકમાં વધારાનો સ્ટાફ ફાળવી સિહોર તાલુકાના ગ્રામ્ય પંથકના વાડી વિસ્તારમાં વહેલામાં વહેલી તકે વીજ પુરવઠો નિયમિત કરે એવી પ્રબળ લોકમાંગ ઊઠવા પામી છે.

ચૌદ દિવસથી પાકને પાણી મળ્યું નથી
ચૌદ દિવસથી વાડીમાં લાઇટ નથી. ઉભા પાકને પાણી પવાતુ નથી. ગાયોને પાણી માટે વ્યવસ્થા કરવી અઘરી થઇ પડી છે. રાતની રસોઇ બૈરાઓને સુર્ય આથમે તે પેલા કરી લેવી પડે છે અને અમારો બેટરીના અંજવાળે વાળુ કરવું પડે છે. - રોહીતભાઇ મૈત્રણીયા, માલધારી ખેડુત.વલભીપુર

વીજ પોલને સૌથી વધુ નુકશાન થયેલુ છે
ખેતરોમાં વાવાઝોડા સમયે વિજ પોલને મોટા પાયે નુકશાન થવા સાથે ઝાડ પણ મોટા પ્રમાણમાં પડી ગયા છે. હાલ મજુરોની અછત છે. ખેતરોમાં કામ કરવું વધુ મુશ્કેલ હોય તેના કારણે ખેતી વિજ જોડાણો શરૂ થવામાં વિલંબ થયેલ છે. - ટી.જી.ભટ્ટ, નાયબ ઈજનેર,વલભીપુર સબ ડીવીઝન

વલભીપુરમાં ખેતીવાડીમાં હજુ પણ વિજળી નહી
14 દિવસ પૂર્વે ત્રાટકેલા તાઉતે વાવઝોડા દરમ્યાન વલભીપુર ની પી.જી.વી.સી.એલ. સબ ડીવીઝન હેઠળ આવતા આશરે 400 કરતા વધુ વિજ પોલ પડી ગયા હતાં. જેને કારણે શહેર સાથે 52 ગામડાઓમાં અંધારપટ છવાઇ ગયો હતો. જો કે, શહેરમાં 35 કલાક દરમ્યાન જ વિજ પુરવઠો પૂર્વરત કરી દેવામાં આવ્યો હતો.જયારે ગ્રામ્ય વિસ્તારોમાં તબક્કાવાર રીતે ચાર પાંચ દિવસ દરમ્યાન વિજ પુરવઠો પુન: સ્થાપીત કરી દેવામાં આવ્યો હતો. ખરી મુસીબતતો ખેત વિષયક વિજ પુરવઠા બાબતની છે. 14 દિવસ થયા છતાં ખેતી વિજ પુરવઠો રાબેતા મુજબ ન થતાં ખેતર વાડીઓમાં ઉનાળુ પાક પીયત કરી શકાતુ ન હોવાથી પાકને નુકશાન થશે.

વીજળી વગર પશુઓને પાણી પાવાની મુશ્કેલી
અમારા કૃષ્ણપરા ગામ તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકના વાડી વિસ્તારમાં વાવાઝોડું ત્રાટકયું ત્યારથી વીજ પુરવઠો ખોરવાયો છે અનેક જગ્યાએ વીજપોલ પડી ગયા છે. જેથી આજ દિન સુધી વીજપુરવઠો પૂર્વવત થયો નથી. અમારા વિસ્તારના ઊભા પાકને નુકસાન થઇ રહ્યું છે. પશુઓને પણ પાણી પાવા માટે હાલાકી સહન કરવી પડે છે. અમારા વિસ્તારમાં વહેલામાં વહેલી તકે વીજ પુરવઠો શરૂ કરવામાં આવે તેવી અમારી માંગ છે. -મંથનભાઇ પટેલ, ખેડૂત, કૃષ્ણપરા

તૌકતે વાવાઝોડાને કારણે આર્થિક નુકસાન થયું
અમારા ગામ ભાંખલ અને તેની પાસેના ગામડાઓમાં વાવાઝોડાને કારણે ઉનાળુ પાકને નુકસાન થયું છે. લાઇટ જતી રહી છે અને મોટાપાયે નુકસાન થવાથી વીજ પુરવઠો કયારે શરૂ થાય તે કાંઇ નકકી જ નથી. મુંગા પશુઓને પાણી પાવા માટે અમારે ટેન્કર કે અન્ય વાહન મારફત વાડીઓ સુધી પાણી પહોંચાડવું પડે છે. પાક સુકાવાથી અમોને આર્થિક નુકસાન થઇ રહ્યું છે. વીજ તંત્ર દ્વારા અમારા ગામડાઓમાં વહેલા લાઇટ શરૂ કરવામાં આવે તે જરૂરી છે. -કિશોરભાઇ જાની, ખેડૂત, ભાંખલ તા.સિહોર

​​​​​​​50 % ખેતીવાડીમાં વીજ સપ્લાય શરૂ થયો છે
સિહોર તાલુકાના 40 ગામોમાં વાવાઝોડાથી વીજળી પુરવઠો ખોરવાયો હતો જેમાથી 50 ટકા ગામોમાં ખેતીવાડીમાં વીજ પુરવઠો શરૂ થયો છે.અમારી 10 ટીમ મરામતની કામગીરી કરી રહી છે હજુ બાકી 50 ટકા ગામોમાં વીજ પુરવઠો શરૂ કરવામાં 10 દિવસ જેટલો સમય લાગે તેમ છે.જેમ બને તેમ ઝડપથી ખેતીવાડીમાં વીજ સપ્લાય માટે પ્રયાસ શરૂ છે. - એચ.બી. ઝીંઝાળા, નાયબ કાર્યપાલક ઇજનેર,પીજીવીસીએલ સિહોર રૂરલ

નુકશાન થયું તેનો સર્વે કરવા કોઇ આવ્યું નથી
ખેતીવાડી વિજ કનેકશન શરૂ કરવાની વાત તો એક બાજુ પણ હજુ સર્વે કરવા પણ કોઇ ડોકાણું નથી. ખેતર વાડીમાં રહેતા ખેત મજુર ભાગ્યાને પીવાના પાણીની મુશ્કેલી સાથે અંધારામાં ઉભા પાકનો અને માલઢારની દેખરેખ રાખી પડે છે. તંત્રની આવી ઢીલી નીતીને લીધે ખેડુતોને ખુબજ હાડમારી ભોગવવી પડે છે. સૌથી વધુ કઠીન બાબત માલઢોરને પીવાના પાણી માટેની છે. - ઠાકરશીભાઇ બોઘરા, ખેડુત અને ગૌશાળા માલિક,હળીયાદ ગામ

અન્ય સમાચારો પણ છે...