સિહોરમાં વિવિધ સ્થળોએ આવેલા સર્કલો તંત્રની ઉપેક્ષાનો ભોગ બન્યા હોય એક પણ સર્કલમાં સુવિધા નથી.જો વિવિધ સર્કલોની માવજત કરવામાં આવે તો લોકો ઉપયોગ કરી શકે. સિહોરમાં ભાવનગર રોડ પર બજરંગદાસ રેસ્ટોરેન્ટની પાસે,નવાગામ રોડ પર આવેલ સર્કલ હાલના સમયે ફકત શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે.
આ સર્કલ દેખાવે સર્કલ છે એટલું જ ? બાકી એ સર્કલમાં સર્કલ જેવું કાંઇ છે જ નહીં સર્કલમાં લોન કે ફૂલછોડ વાવીને તેને આકર્ષક બનાવવા તંત્રએ કવાયત હાથ ધરવી જોઇએ ઉપરાંત આકર્ષણનું કેન્દ્ર બની રહે તેવા ફૂવારા પણ લગાડવા જોઇએ તેમજ નિયમિતપણે સાફ સફાઇ થાય તેની પણ એટલી જ આવશ્યકતા છે.
અન્ય એક સર્કલ અમદાવાદ રોડ પર આવેલ ટાવર પાસે છે તેની હાલત પણ એટલી જ કફોડી છે.અહીં ફૂવારા તો લગાડવવામાં આવ્યા છે પણ તે ભાગ્યે જ શરૂ કરવામાં આવે છે.કયારેક તંત્રને આવા સર્કલોની યાદ આવી જાય તો તેની સાફ સફાઇ કરી નાખવામાં આવે છે.બાકી તો આ સર્કલો તંત્રની કુંભકર્ણી ઉંઘ કયારે ઊડે તેની રાહ જોઇને બેઠા છે. આ ધૂળ ખાતા સર્કલોને લોકોપયોગી બનાવવા માટે તંત્ર દ્વારા કોઇ ઠોસ કદમ ઉઠાવવામાં આવે તેવી નગરજનોની પ્રબળ અને લોકમાંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.