તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:કોરોના વોરિયર્સ પોલીસના નિધન બાદ સરકારી સહાય માટે ધરમધક્કા

સિહોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાઇવેટ હોસ્પિ.ના તબીબ પ્રમાણપત્ર આપે તે માન્ય નથી
  • રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરાઇ, 25 લાખની સહાય મળતી નથી

કોરોના વોરિયર્સ ગણાતા પોલીસ જવાનો માટે સરકારે કોરોનાને કારણે પોલીસ જવાન મૃત્યુ પામે તો તેના પરિવારજનોને 25 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. પરંતુ આ સહાય મેળવવા માટે પોલીસ જવાનના અવસાન બાદ તેમના પરિવારજનો ધકકા ખાઇ રહ્યા છે,પણ સહાય મળતી નથી. સરકારના આદેશ મુજબ મૃત્યુના કારણ માટે આર.ટી.પી.સી.આર.રિપોર્ટ પોઝિટિવ હોવો જોઇએ. જેમાં સિવિલ સર્જનનું સર્ટિ.ફરજિયાત હોય છે. પરંતુ પોલીસ જવાનોએ પ્રાઇવેટ હોસ્પિટલમાં લીધી હોય માટે સરકારી ડોકટરો સર્ટિ. આપતા નથી.

રાત-દિવસ જોયા વગર જીવના જોખમે લોકો માટે ખડેપગે સેવા કરનારા પોલીસ જવાનો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હોય તેના પરિવારજનોને 25 લાખની સહાય મેળવવા માટે આકાશ –પાતાળ એક કરવા જેવું થયું છે. મૃત્યુ પામનારનો RTPCR રિપોર્ટ પોઝિટિવ અને સીટી સ્કેનમાં પોઝિટિવ હોય છતાં પણ આગ્રહ એવો રાખવામાં આવે છે કે મૃત્યુના કારણ માટે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જરૂરી છે. પરંતુ પોલીસ જવાનોએ સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં લીધી હોય પ્રાઇવેટ હોસ્પિટલના ડોકટર પ્રમાણપત્ર આપે છે એ માન્ય રખાતું નથી.

સિવિલ સર્જન કહે છે કે પોલીસ જવાનોએ સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી નથી તો અમે સારવાર સર્ટિ કે કોરોનાને કારણે મૃત્યુ થયું છે તેવું પ્રમાણપત્ર કેમ આપી શકીએ ? આ પ્રમાણપત્ર ન હોય તો 25 લાખની સહાય મળતી નથી. આ અંગે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રદેશ અગ્રણી માવજીભાઇ સરવૈયાએ પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર અને મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે કે પોલીસ જવાન કોરોના વોરિયર્સ તરીકે મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોને 25 લાખની સહાય તાત્કાલિક ચુકવવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...