સિહોરના વોર્ડ નં.4માં આવેલ ઓમપાર્ક સોસાયટીમાં ગઇકાલે પાણી વિતરણ કરવામાં આવેલ. આ પાણીમાં જીવજંતુઓ દેખાયા હતા આથી આ વિસ્તારના રહીશો એકઠા થઇ, તંત્ર વિરુદ્ધ પોતાનો રોષ ઠાલવ્યો હતો. હાલના સમયમાં લોકોને પાણીની વધારે જરૂર હોય છે ત્યારે જ સિહોરમાં દૂષિત પાણીનું વિતરણ થઇ રહ્યું હોવાથી નગરજનોમાં ભારે રોષ ફેલાયો છે. સિહોરમાં ગૌતમેશ્વર તળાવ નજીક ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે પરંતુ આ ફિલ્ટર પ્લાન્ટ માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય, હાલમાં ધૂળ ખાઇ રહ્યો છે અને સિહોરવાસીઓ દુષિત પાણી પીવા માટે મજબૂર બની રહ્યા છે.
એક તો પાંચ કે છ દિવસે પાણી વિતરણ થાય છે. એમાં પણ દુષિત પાણી. થોડા દિવસો પૂર્વે વોર્ડ નં.1માં પણ આવી રીતે દૂષિત અને જીવજંતુયુક્ત પાણી વિતરણ થયાની ફરિયાદો ઊઠવા પામી હતી.કાળઝાળ ગરમીના દિવસોમાં લોકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે નગરપાલિકાના વોટર વર્કસ વિભાગ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તે અત્યંત આવશ્યક છે. કાળઝાળ ગરમીમાં લોકોને સ્વચ્છ પાણીનું વિતરણ થાય તો લોકો રોગચાળાથી બચી શકે આ અંગે તંત્રએ સક્રિય થવાની જરૂર છે.
હાલમાં તળાવનું પાણી વિતરણ બંધ કરી દેવાયું છે
દુષિત પાણી વિતરણ થયું હોવાની રજૂઆત અમારી પાસે આવી છે ત્યાં–ત્યાં કામચલાઉ ધોરણે પાણી વિતરણ અટકાવી દેવાયું છે. હાલમાં ગૌતમેશ્વર તળાવમાંથી અપાતું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. ફિલ્ટર પ્લાન્ટને રિપેર કરી, નગરજનોને શુદ્ધ પાણી પૂરું પાડવાની કામગીરી ચાલી રહી છે. > બી.કે.મારકણા, ચીફ ઓફિસર, સિહોર નગરપાલિકા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.