બાળ લગ્ન:ભડલી અને બાબરીયાત ગામે બાળ લગ્ન ઝડપી લેવાયા

સિહોર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમાજ સુરક્ષા અધિકારીએ તપાસ કર્યા બાદ ફરિયાદ
  • ભડલી ગામે અને બાબરિયાત ગામે સમૂહ લગ્નમાં બાળ લગ્ન થયા હોવાની અરજીના આધારે પગલાં

સમાજ કલ્યાણ અધિકારી ભાવનગરને રૂબરૂમાં કોઇ અજાણ્યા અરજદાર દ્વારા લેખિત અરજી કરવામાં આવેલ કે સિહોર તાલુકાના ભડલી ગામે રહેતા વિનુભાઇ પાંચાભાઇ પરમારની સગીર વયની દીકરી રંજનબેનના લગ્ન ધ્રુપકા ગામે રહેતા ગોરધનભાઇ ગોપાભાઇ વાળાના દીકરા જયેશભાઇ સાથે ગત તા.11/12/2021ના રોજ થયા હતા. આ અંગે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા તપાસ કરતાં આ લગ્ન બાળલગ્ન હોવાનું જણાયેલ.

આ અંગે ઇન્ચાર્જ સમાજ સુરક્ષા અધિકારી એમ.આર.જાંબુચા દ્વારા વિનુભાઇ પાંચાભાઇ પરમાર (રે.ભડલી), ગોરધનભાઇ ગોપાભાઇ વાળા (રે.ધ્રુપકા), રેખાબેન ગોરધનભાઇ વાળા (રે.ધ્રુપકા) વિરુદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ.જ્યારે બીજા બનાવમાં તળાજા તાલુકાના બાબરિયાત ગામે રહેતા રાહુલભાઇ તીખાભાઇ શિયાળે સમાજ કલ્યાણ અધિકારીને રૂબરૂમાં લેખિત અરજી આપેલ કે દિવ્યાબેન બહાદુરભાઇ રાઠોડના ગત તા.14/11ના રોજ લેઉવા પટેલ સમાજની વાડીમાં મંડપ નંબર: 34માં સમૂહ લગ્ન થયેલ.આ લગ્ન બાળલગ્ન છે.

આ અંગે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા બહાદુરભાઇ લલ્લુભાઇ રાઠોડ (રે.બેકડી)ના ઘેર તપાસ કરતાં આ લગ્ન પણ બાળલગ્ન હોવાનું જણાયેલ. આ બાળલગ્ન અંગે ઇન્ચાર્જ સમાજ સુરક્ષા અધિકારી એમ.આર.જાંબુચા દ્વારા બહાદુરભાઇ લલ્લુભાઇ રાઠોડ, અંબાબેન બહાદુરભાઇ રાઠોડ (રે. બંને બેકડી), ધરમશીભાઇ ગોપાભાઇ લાઠિયા, મમતાબેન ધરમશીભાઇ લાઠિયા, મિલનભાઇ ધરમશીભાઇ લાઠિયા (રે.ત્રણેય ગુંદાળા) તેમજ લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટીઓ સમૂહલગ્ન, રેલવે ફાટક પાસે, સિહોર વિરુદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...