તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:સિહોર–ટાણા ST બસના સમયમાં ફેરફાર કરો

સિહોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સિહોરમાં આજુબાજુના 20-25 કિલોમીટર સુધીના ગ્રામ્ય પંથકમાંથી વિધાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ આવે છે. આથી ટાણા પંથકના વિધાર્થીઓને ટાણાથી પોતાના ગામ જવા માટે શટલ બસના સમયમાં ફેરફાર કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઊઠવા પામી છે. ટાણાએ સિહોર તાલુકાના સૌથી મોટા ગામો પૈકીનું એક ગામ છે. સિહોર-ટાણા શટલ બસ વર્ષોથી આ રોડ પર ચાલે છે. આ રોડ પર સાગવાડી, કાજાવદર, જાંબાળા, બોરડી, ટાણા, બેકડીનું પાટિયું અને વરલ ગામ આવે છે.

અત્યારે ધોરણ :9 થી 12ની શાળાઓ ખુલી ગઇ છે. આથી મોટાભાગે આ ધોરણ અને કોલેજ કક્ષાના વિધાર્થીઓ- વિધાર્થિનીઓ સિહોર અપ-ડાઉન કરે છે. વિદ્યાર્થીઓના વાલીને આર્થિક બોજ ઓછો પડે તે માટે વિધાર્થીઓ એસ.ટી. વિભાગ પાસેથી પાસ કઢાવતા હોય છે. આથી વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઇ, શટલ બસના સમયમાં ફેરફાર કરવો જરૂરી છે. અત્યારે શટલ બસ સિહોરથી 11:30 ઊપડે છે. આ બસ ટાણા થઇને પાલિતાણા જતી રહે છે પછી પાલિતાણાથી ટાણા થઇ સિહોર પરત આવે છે.

અને પુન: 3:30 કલાકે ટાણા થઇને વરલ જાય છે આ બસ વરલથી સિહોર આવી સાંજે 7 વાગ્યે ટાણા તરફ જાય છે. આથી નથી સવારની પાળીવાળા વિધાર્થીઓને બપોરે શાળા છૂટવાના સમયે આ શટલ બસનો લાભ મળતો. નથી બપોરની પાળીવાળા વિદ્યાર્થીઓને લાભ મળતો. જેથી વિદ્યાર્થીઓને મને-કમને ખાનગી વાહનમાં બેસવું પડે છે અથવા બેથી અઢી કલાક એસ.ટી.ની રાહ જોવી પડે છે. આથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની માંગને ધ્યાને લઇ, સિહોર –ટાણા શટલ બસના સમયમાં ફેરફાર કરવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...