સિહોર નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી સફાઈ કામદારોની ભરતીના મુદ્દે કોંગ્રેસ વિફર્યું છે. અને તાજેતરમાં મળેલી સાધારણ સભામાં પણ કોંગ્રેસના વાર સહન નહીં થતાં શાસક ભાજપના સભ્યોને સભાગૃહ છોડવાનો વારો આવ્યો હતો. સફાઈ કામદારોની ભરતીના વિવાદમાં શાસકો દ્વારા સિનિયોરીટી અને લાયકાતને કોરાણે મૂકી મામકાઓની ભરતી કરી હોવાના આક્ષેપને ખંડિત પણ કરી શક્યા નથી.
સિહોરમાં કામદારોને કાયમી કરવામાં શાસક ભાજપ દ્વારા મનમાની ભર્યા નિર્ણયો કરી સગા વહાલાઓની ભરતી કર્યાના વિપક્ષ દ્વારા આક્ષેપો કરી વધુમાં તંત્રને શાસકોનો ગેરવહીવટ બહાર પાડતા જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી સિહોર નગરપાલિકાના કર્મચારીઓને કાયમી કરવા અંગે સરકાર પાસેથી જરૂરી મંજુરીઓ મેળવવી જોઈએ તે મેળવેલી નથી.
હાલમાં દલીત અધિકાર મંચ ધ્વારા પણ ઉચ્ચ કક્ષાએ રજુઆતો કર્યા પછી હાલના સત્તાધીશો દ્વારા મહેકમ મંજુર કરવામાં આવેલ જયારે આ અંગે સર્વાનુમતે ઠરાવ મંજુર કર્યા પછી ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો ધ્વારા સીનીયોરીટીની બાબતમાં અગાઉના ઘણા સીનીયરોને અન્યાય કરી પોતાના અંગત લોકોને કાયમી કર્યા હોવાથી સફાઈ કામદારોમાં પણ આ બાબતે અસંતોષ વ્યાપેલ છે.
હાલમાં જે સીનીયોરીટીના લીસ્ટ મુજબ 28 સફાઈ કામદારોને કાયમી કરવાના હતા તેમાં રોસ્ટર મુજબ અનામત જગ્યાઓ ઉપર લાગતા વળગતા કર્મચારીઓને જ કાયમી કરવાના હોવાથી તેમાં સામાજીક વર્ગના લોકોને કાયમી કરવા માટે અમુક જગ્યાઓ હજુ પણ ભરેલી નથી.
લાયકાત વગર આઉટ સોર્સના કર્મીઓને ઓર્ડર
સત્તાધીશોના મામકાઓને ભરતી કરવાના આશયથી નગરપાલિકામાં છ માસથી આઉટ સોર્સથી એજન્સી દ્વારા ફરજ બજાવતા કર્મચારીઓને લાયકાત ન ધરાવતા હોવા છતા ભરતી કરેલી છે. તેમજ આ કર્મચારીઓ રોજમદાર પણ નથી આ કર્મચારીઓ સફાઈ અંગેનો અનુભવ ધરાવતા ન હોવા છતા તેઓને ગેર કાયદેસર રીતે ઓર્ડર આપી દીધેલા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.