ઉનાળો પોતાના અસલ સ્વરૂપમાં આવતો જાય છે અને જેમ-જેમ ઉનાળો નજીક આવતો જાય તેમ-તેમ પાણીની જરૂરિયાત પણ વધતી જશે. આવા સંજોગોમાં સિહોરમાં પાણીના ધાંધિયા શરૂ થતાં નગરજનોમાં આ બાબતે કચવાટ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.
ઉનાળાના પ્રારંભથી સિહોરમાં પાણીની સમસ્યા વિકટ અને વિકરાળ સમસ્યા ધારણ કરી રહી છે અને પાણી વગર નગરજનો ત્રાહીમામ પોકારી રહ્યા છે. ગત વરસે સિહોર પંથકમાં સાવ ઓછો જ વરસાદ પડ્યો હતો. જેને કારણે સિહોરના હાર્દ સમાન ગૌતમેશ્વર તળાવમાં સાવ ઓછું પાણી ભરેલું છે અને એ પાણીમાંથી નગરપાલિકાએ સિહોર શહેરમાં પાણી વિતરણ બંધ કરી દીધું છે. શહેરના કેટલાક વિસ્તારોમાં બોર છે અને બોર તેમજ મહિપરીએજ આ બંને માધ્યમ થકી જ અત્યારે પાણી વિતરણ થઇ રહ્યું છે.
લગભગ 90 % પાણી મહિપરીએજનું અને બાકીનું પાણી બોરનું હોય છે આથી સિહોરવાસીઓએ મોટાભાગે મહિપરીએજના પાણી પર આધાર રાખવો પડે છે અને આ પાણી સિહોરવાસીઓ માટે પૂરતુ નથી.સિહોરમાં પાણીની સમસ્યા ભયંકર સ્વરૂપ ધારણ કરી રહી છે.
નાવડા પાસે ખોટકો સર્જાતા ઉપરથી પાણી સપ્લાય બંધ હતો
સિહોરના અલગ-અલગ વિસ્તારમાં જ્યાં બોર છે તે બોર અને મહિપરીએજનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. નાવડા પાસે ખોટકો સર્જાતા ઉપરથી પાણી સપ્લાય બંધ હતુ હવે સપ્લાય શરૂ થતાં સ્ટોરજ કર્યા પછી પાણી વિતરણ શરૂ કરાયું છે. હાલમાં સિહોરમાં સાત દિવસે પાણી વિતરણ કરાઇ રહ્યું છે. > બિપિનભાઇ મારકણા, ચીફ ઓફિસર, સિહોર નગરપાલિકા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.