દુકાન સીલ:સિહોરમાં લગ્ન પ્રસંગે 90 વ્યકિતને ફુડ પોઇઝનથી હોસ્પિટલ ખસેડાયા

સિહોર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાળઝાળ ગરમીમાં જમણવાર બાદ 150થી વધુ લોકોની તબિયત બગડતા દોડધામ મચી
  • લગ્ન પ્રસંગે ત્રણ સ્થળોએ મુની પેંડાવાળાને ત્યાથી મીઠાઇ ખરીદાઇ હતી

સિહોરમાં રવિવારે અલગ-અલગ વિસ્તારોમાં લગ્ન પ્રસંગોમાં જમણવારમાં સામેલ થયેલ લોકોને જમ્યા બાદ ફુડ પોઇઝન થઇ જતાં આ અનેક લોકોને સિહોર સરકારી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. આ બનાવને પગલે સિહોરમાં મોડી રાત્રે દોડધામ મચી જવા પામી હતી.

હાલમાં ઉનાળો પૂરબહારમાં ચાલી રહ્યો છે અને સાથોસાથ લગ્ન પ્રસંગો પણ એટલા જ પ્રમાણમાં થઇ રહ્યા છે. સિહોરમાં ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા રફિકભાઇ મુસાભાઇ સૈયદ, ઢસાપા વિસ્તારમાં રહેતા નિતીનભાઇ નાનુભાઇ ગોહિલ તેમજ અશોકભાઇ મનસુખભાઇ જાદવને ત્યાં એમ ત્રણ અલગ-અલગ સ્થળોએ લગ્ન પ્રસંગો હતા. આ ત્રણેય લગ્ન પ્રસંગોમાં મુની પેંડાવાળાને ત્યાંથી છાશ લેવામાં આવી હોવાનું જાણવા મળેલ. આ લગ્ન પ્રસંગોમાં જમણવાર બાદ અંદાજે 150 વ્યકિતઓને ફુડ પોઇઝનની અસર થવા પામી હતી. અસરગ્રસ્ત આ વ્યકિતઓને સિહોર સરકારી તેમજ ખાનગી હૉસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ.

સિહોર સરકારી હૉસ્પિટલમાં રાત્રે સાડા બારે તેમજ રાત્રે અઢી ત્રણ વાગ્યે એમ બે તબકકામાં અંદાજે 90 અસરગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવેલ. જ્યારે અન્ય અસરગ્રસ્તોએ ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવેલ.આ ઘટના બનતા સિહોરમાં તંત્ર દોડતું થયું હતું. ભાવનગર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ સિહોર આવી મુની પેંડાવાળાની મીઠાઇની દુકાન તેમજ મુની ડેરીની વિવિધ પ્રોડકટના નમૂના લેવાયા હતા. સિહોર નગરપાલિકા દ્વારા આ નમૂનાના રિપોર્ટ ન આવે ત્યાં સુધી મુની પેંડાવાળાની મોટા ચોકની દુકાન સીલ કરી દેવામાં આવી છે.આમ, સિહોરમાં ફુડ પોઇઝનને પગલે સિહોરમાં આખી રાત લોકો અને તંત્ર જાગતા રહ્યા હતા.

મુની પેંડાવાળાની દુકાન સીલ કરાઇ છે
સિહોરમાં બનેલી ફુડ પોઇઝનની ઘટનાને કારણે સિહોર નગરપાલિકાની ટીમ મોટા ચોકમાં આવેલી મુની પેંડાવાળાની દુકાને જઇ, ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ દુકાન સીલ કરી દેવામાં આવી છે. - બી.કે. મારકણા, ચીફ ઓફિસર, સિહોર નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...