દુર્ઘટના:શ્રમિકોથી ભરેલું પીકઅપ વાહન મોણપર નજીક પલ્ટી જતા 27ને ઈજા

સિહોર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુંદાળા ગામેથી મોણપર ખેત મજુરીઅર્થે જઈ રહ્યાં હતા : મોટાભાગની મહિલાઓ હતી

સિહોર તાલુકાના ગુંદાળા ગામેથી વલભીપુરના મોણપર ગામે ખેત મજુરી અર્થે જઈ રહેલું પીકઅપ વાહન આજે સવારે મોણપર ગામથી 9 કિમી દુર પલ્ટી જતાં વાહનમાં મુસાફરી કરી રહેલા 27 શ્રમિકોને નાની મોટી ઈજાઓ થ‌વા પામી છે. આ શ્રમિકોમાં મોટે ભાગે મહિલા શ્રમિકો હતી. જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.

સિહોરના ગુંદાળ‌ા તેમજ રામનગર પ્લોટીંગ વિસ્તારના આશરે 50 થી 60 જેટલા શ્રમિકો વલભીપુરના મોણપર ગામે મજુરી કામ અર્થે જવા માટે આજે સવારે જીજે-04-એએમ-2785માં જઈ રહ્યાં હતા ત્યારે આજે સવારે 10.15 કલાકના અરસામાં મોણપર ગામથી 9 કિમી દુર મોણપર-સનેસ રોડ પર ભગવાનભાઈ સુતરીયાના ખેતર પાસે હમીરભાઈ ડાંગરનું પીકઅપ વાહન પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં પીકઅપ વાહનમાં બેસેલા 27 શ્રમીકોને હાથ પગમાં નાની મોટી ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ સ્થાનિક લોકોને થતાં સ્થાનિકોએ ઈમર્જન્સી 108 મારફત ઈજાગ્રસ્તોને સારવારઅર્થે સિહોર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં 3 મહિલા શ્રમિકોને વધુ સારવારઅર્થે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બાકીના 24 શ્રમિકોને સિહોર સરકારી દવાખાનામાં સારવાર આપવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને સિહોર નગરપાલિકાના ઈમર્જન્સી સેવાના ધર્મેન્દ્ર ચાવડા, શિવુભા ગોહિલ તથા ગુંદાળા ગામના યુવાનો દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની જાણ થતાં સિહોર હોસ્પિટલનો તમામ સ્ટાફ તથા પોલીસ સ્ટાફ સિહોર સરકારી હોસ્પિટલે દોડી ગયો હતો. મળતી વિગતો પ્રમાણે સિંગલપટ્ટી રોડમાં પીકઅપ વાહન જઈ રહ્યું હતું ત્યારે સામેથી આવી રહેલી રિક્ષા આવી રહી હતી તેના લીધે વાહન પલ્ટી માર્યું હતું. પીકઅપ વાહનમાં સવાર શ્રમિકોમાં મોટાભાગની મહિલા શ્રમિકો હતી.

અન્ય સમાચારો પણ છે...